Junagadh News: મુંબઈમાં વસતા શેઠ પરિવારનો અનોખો વતન પ્રેમ જોવા મળ્યો છે. હિતેન શેઠે ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી ઉત્તમ નસલની ગીર ગાયનો વંશવેલો જાળવવા માણાવદરમાં ગૌ શાળા શરૂ કરી છે. અસૂયા ગૌ-ધામમાં 202 જેટલી શ્રેષ્ઠ નસલની ગીર ગાયોની જાળવણી કરવામાં આવી રહી છે. ગામના અશક્ત, અસહાય તથા એકલવાયુ જીવન જીવતા લોકોને રોજ 125 ટિફિન સ્વામાનભેર તેમના ઘરે પહોંચાડી સ્થાનિક મહિલાઓને પણ રોજગારી આપી રહ્યા છે.
હિતેનભાઈ શેઠ મૂળ તો માણાવદરના પણ વ્યવસાય અર્થે માણાવદરથી મુંબઈ ગયા.રહેવાનું મુંબઈ પણ એમનુ મન હમેંશા વતન તરફ રહેતું. વતન માટે કંઇક કરી છૂટવાની ભાવનાને કોરોના કાળે એમને મોકો આપ્યો. તેઓએ કહે છે કે કોરોના મારા મોટાભાઈ દિનેશભાઇ અને ભાઈ સમા પ્રવીણભાઈને અચાનક ભરખી ગયો. હું પણ મુંબઈમાં કોરોનાથી સંક્રમિત થયો.
વતનની ખૂબ યાદ આવી. થયું કે ચાલ, ગામ જઈને ત્યાં થોડા દિવસ રહું. ત્યાં એક મિત્ર એ મને ગંગા નામની સુંદર ગીર નસલની વાછરડી ભેટ આપી, અને તેના સાનિધ્યમાં મને ખૂબજ પોઝિટિવ વાઈબ્સ આવવા લાગ્યા અને હું કોરોનમાંથી પણ ઝડપભેર કોઈ પ્રકારની દવા વગર સાજો થઇ ગયો. આ સમયે ગાય સાથેનો અમારો નાતો ફરીથી દ્રઢ થયો. મારા પિતાશ્રી પણ વરસો પહેલા ૩ ગીર ગાય રાખતા હતા.
કુદરતી રીતે મને એવો અહેસાસ પણ થયો કે સાચું સુખ તો ગામડામાં જ છે. બીજી એક વસ્તુ ધ્યાને આવી કે સૌરાષ્ટ્રમાં ભારતીય સંસ્કૃતિની ઓળખ સમી ઉત્તમ પ્રકારની પ્યોર ગીર ગાયનું સંવર્ધન ઓછું થતું જાય છે. અને તેના કારણે ઓછું દૂધ આપતી ગાયો રસ્તા પર રઝળવા મજબુર બને છે. પ્યોર ગીર ગાય અતિ ઉત્તમ ગણાતું A2 પ્રકારનું દૂધ આપે છે. અને તેની દૂધ આપવાની ક્ષમતા પણ ઘણી વધારે હોય છે. જો, ગાય માતા વધારે દૂધ આપતી હોય તો તેનો માલીક તેને રસ્તા ઉપર રઝળાવે નહીં તો તેના આધારે ગીર ગાય સંવર્ધન કરવાનો વિચાર આવ્યો.
મારા મોટાભાઈ વિજય શેઠ 1995થી હોંગકોંગમાં હીરાના વ્યાપાર અર્થે ત્યાંજ સ્થાયી છે. એમને પણ વતન સાથે લગાવ વધારે જેથી અમે એમની સાથે વિચાર વિમર્શ કરી બીજી 72 અતિ ઉત્તમ નસલની કિંમતી ગીર ગાય લાવ્યા. અને તેના સંવર્ધન માટે ખુબજ મોંઘા જાતવાન નંદી લાવ્યા. બીજા છ મહિનામાં ગાયોની સંખ્યા 152 થઇ છે અને અમારા માતૃશ્રીના નામ પર અનસૂયા ગૌધામ શરૂ કર્યું છે.
હાલમાં અમારા અનસૂયા ગૌધામમાં 202 જેટલી નાની મોટી શ્રેષ્ઠ ગીર નસલની ગાયો અને નંદીઓ છે.અંદાજિત સાડા ચાર કરોડ જેટલો ખર્ચ આ ગૌધામમાં કરવામાં આવ્યો છે. ગાયો તથા નંદીઓની પેડીગ્રી એટલે કે વંશવેલાની સંપૂર્ણ માહિતી સાથે કઈ ગાય કેટલુ દુધ આપશે અને એમની તંદુરસ્તી કેવી રહેશે તેની પણ સંપુર્ણ માહિતી રાખવામાં આવે છે.
આ ઉપરાંત દરેક નાની મોટી ગાય, વાછરડા, અને નંદીના સ્વાસ્થયની માહિતી ભેગી કરી તેને કયા સમયે ક્યો ખોરાક આપવો તેનું અલગ રજીસ્ટર બનાવી ગૌશાળામાં કાર્યરત એવા 3 ફુલટાઇમ વેટરનરી ડોક્ટરોની દેખરેખ હેઠળ તેમને પુરતા પ્રમાણમાં પોષણ મળી રહે તે પ્રમાણેનો ખોરાકમાં આપવામાં આવે છે. સમયાંતરે એમના આરોગ્યનુ ચેકઅપ પણ અમારા ડોક્ટરો દ્વારા કરવામાં આવે છે.
અમારી ગૌશાળા માં જન્મેલા અને ઉછેરેલા ઉત્તમ નસલ અને પેડીગ્રી ધરાવતા અમુક કિંમતી વાછરડાઓ અમે ગૌ સંવર્ધન માટે યોગ્ય જગ્યાએ મફતમાં પણ આપીયે છીએ. હાલ અમોએ અમુક લુપ્ત થઇ રહેલી ગીર નસલની બ્લડલાઇનને જાળવી રાખવાના હેતુથી ભારત સરકારની નેશનલ એડવાઈઝરી કમિટીના મેમ્બર ડો. શ્યામ ઝાવરની ટીમ દ્વારા ભ્રુણ પ્રત્યારોપણનો કાર્યક્રમ શરુ કર્યો છે.
જે ગાય ગર્ભધારણ માટે સક્ષમના હોય અને તેની ઉમર વટાવી ચુકી હોય પણ તેની નસલ ખુબ ઊંચી હોય અને તેના દૂધ ઉત્પાદનનો રેકોર્ડ ખૂબ સારો હોય તેવી ગાયોના ગર્ભાશયમાંથી અંડકોષ કાઢી તેને ઉમદા નસલના નંદીના બીજથી ફલીત કરીને તેનો ગર્ભ અન્ય યુવાન ગાયની કુંખમાં પ્રત્યારોપિત કરીને ઉછેરવામાં આવશે. આમ કરવાથી પેદા થનારી નવી પેઢી વધુ દૂધ ઉત્પાદન અને રોગ પ્રતિકાર શક્તિ ધરાવતી હશે.
બીજી એક સેવા અમે ગામના અશક્ત, અસહાય, બીમાર અને એકલવાયુ જીવન જીવતા હોય, ઘડપણમાં રસોઈ બનાવી શકતાના હોય એવા લોકોને સ્વમાનભેર તેમના ઘરે ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. દસ-પંદર દીવસે રૂબરૂ મળીને એમની પસંદગીનું ભોજન પણ અમે બનાવી આપીએ છીએ. જરૂરિયાતમંદ માટે દવાની જરૂર હોય તો પણ અમે આપીએ છીએ. હાલ સવાસો જેટલા લોકોની સેવા કરવાનો મોકો અમને મળ્યો છે.
લોકોએ તરછોડી દીધેલા બીમાર અને અકસ્માતથી ઘાયલ થયેલા પશુઓ માટે અમોએ અલગથી જગ્યા ભાડે રાખીને સારવાર કરીયે છીએ. હાલ 30 જેટલા પશુઓની જરુરી સારવાર સંસ્થાના નિષ્ણાત ડોક્ટરો ની દેખરેખ થી થાય છે. અનસુયા ગૌધામ અને અનસુયા અન્નક્ષેત્રમાં અમો 50 ટકા મહિલાઓને કામ આપીએ છીએ, જેથી મહિલાઓનું પણ સશક્તિકરણ થાય અને ગામની સ્થાનિક મહિલાઓને રોજગારી મળી રહે. હાલ કુલ 41 માણસોનો સ્ટાફ છે. અન્નક્ષેત્રની દેખરેખ મારા પત્ની મેઘના શેઠ કરે છે. જે મુંબઈમાંજ જન્મેલા અને ઉછરેલા છે.
જ્યારથી તેણે માણાવદર ગૌશાળા અને અન્નક્ષેત્રમાં આવવાનું શરુ કર્યું ત્યારથી ગામ લોકોનો પ્રેમ, ગામનું શુદ્ધ વાતાવરણ અને ગાયો સાથેના લગાવે તેને માણાવદરમાં રહેવા મજબુર કર્યા અને હવે તે પણ મોટા ભાગનો સમય ત્યાંજ વિતાવે છે. ગૌશાળાની ફુલટાઇમ દેખરેખ મારા બીજા મોટાભાઈ કે જે સુરત વસતા હતા તે હરેશ શેઠ કરે છે. અમારો આશયએ હતો કે અમારા વતન માટે કઇક કરવુ છે. પહેલા અમે બધા ભાઈઓ વતનથી દૂર હતા જે ચાર પાંચ વર્ષે એકવાર ભેગા થતા હતા એને બદલે હવે વર્ષમાં ચારથી પાંચ વખત અમે સહપરિવાર ભેગા થઈએ છીએ.જેનો અમને ખુબજ આનંદ છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
