Junagadh: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના પંચાલા ગામમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ગામમાં રહેતા વ્યક્તિ દ્વારા તાંત્રિક વિધિના બહાને મહિલા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પંચાલા ગામમાં રહેતા રણજીત પરમાર નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે મહિલાને પોતાની હવસનો શિકાર બનાવી છે. પીડિત મહિલા મજૂરી કરતી હતી, ત્યારે રણજીત પરમાર સાથે તેનો ભેટો થયો હતો. જે બાદ પીડિતાએ પોતાના ઘરમાં સુખ-શાંતિ અને ધંધામાં વૃદ્ધિ માટે તાંત્રિક વિધિ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો
જેથી ગત શુક્રવારે રાતે 10 કલાકે તાંત્રિક રણજીત પરમાર પીડિતાના ઘરે પહોંચ્યો હતો. જ્યાં દીવો પ્રગટાવ્યા બાદ રણજીતે રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ મહિલાને થપ્પડ મારીને તેની સાથે બળજબરીપૂર્વક શરીરસબંધ બાંધ્યો હતો. આટલું જ નહીં, રણજીતે જો કોઈને જાણ કરીશ, તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. પોતાની હવસ સંતોષાયા બાદ રણજીત નાસી છૂટ્યો હતો.
આખરે પીડિતાએ પોતાના પતિ અને ભાભીને જાણ કરતાં તેમણે હિંમત આપતા મામલો કેશોદ પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ તો પીડિત મહિલાએ કેશોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાઈ છે. જ્યારે પીડિતાની ફરિયાદના આધારે કેશોદ પોલીસે રણજીત પરમાર વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
