Junagadh: ગત 4 જૂને જાહેર થયેલ માણાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી એક્શન મોડમાં આવી ગયા છે. પાલિકાના અણધડ વહીવટની ત્રાસેલા અરવિંદ લાડાણી પાલિકાના ચીફ ઑફિસર સાથે જમીન પર બેસી ગયા હતા અને અધિકારીને ખખડાવ્યા હતા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
હકીકતમાં માણાવદરમાં પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને વ્યાપક ફરિયાદો ઉઠતાં ધારાસભ્ય અરવિંદ લાડાણી મામલતદારની ઑફિસે પહોંચ્યા હતા. જ્યાં તેઓ ખુદ જમીન પર બેસી ગયા હતા અને પોતાની બાજુમાં ચીફ ઑફિસરને બેસાડીને એક પછી એક સવાલોનો મારો ચલાવ્યો હતો.
આ પણ વાંચો
આ સાથે જ અરવિંદ લાડાણીએ પ્રિ-મોન્સૂન કામગીરીને લઈને 24 જૂન સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. જો ત્યાં સુધીમાં કામગીરી પૂર્ણ નહીં થાય, તો 25મી જૂને તેઓ જનતાને સાથે રાખીને આંદોલન કરશે તેમ જણાવ્યું છે.
આટલું જ નહીં ધારાસભ્ય લાડાણીએ ચીફ ઑફિસર પર ખોટી રીતે હરાજી યોજીને ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચીફ ઑફિસર માફી પણ માંગતા જોવા મળે છે.
