Girnar Lili Parikrama 2026: જૂનાગઢના પવિત્ર ગિરનારની ગોદમાં યોજાતી લીલી પરિક્રમા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ માટે આસ્થા, ભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિનું અનોખું કેન્દ્ર બની છે. બ્રાઝિલથી ભારત આવેલી સાધ્વીજી હોય કે મહારાષ્ટ્ર, પોરબંદર અને અમદાવાદથી આવેલા ભાવિકો, સૌ કોઈ ગિરનારની પાવન ભૂમિ પર પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. કોઈ ભગવદ્ ગીતા અને ગુરુપરંપરાથી પ્રેરાઈને આ યાત્રામાં જોડાયું છે, તો કોઈ ભજન-કીર્તન અને અભંગો દ્વારા ભક્તિમાં લીન બન્યું છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વીજળી, પીવાના પાણી, આરોગ્ય, સુરક્ષા અને અન્નક્ષેત્રોની સુવિધાઓને પણ પરિક્રમાર્થીઓએ બિરદાવી છે. શ્રદ્ધા, ભક્તિ અને પ્રકૃતિના સાનિધ્યમાં યોજાતી આ પરિક્રમા દેશ-વિદેશના ભાવિકો માટે યાદગાર આધ્યાત્મિક અનુભવ બની રહી છે.
બ્રાઝિલથી આવેલા સાધ્વીજીએ વર્ણવ્યો અનુભવ
ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતા વિદેશીઓને પણ ખૂબ આકર્ષે છે અને આધ્યાત્મિક અનુભવો પ્રાપ્ત કરવા ભારતની ભૂમિ સુધી તેમને દોરી લાવે છે. બ્રાઝિલથી ભારત આવેલા સાધ્વીજીએ માટે ગિરનાર લીલી પરિક્રમા પણ આવી જ એક અનોખી આધ્યાત્મિક અનુભૂતિ બની છે. ભગવદ્ ગીતાના વાંચન અને પોતાના ગુરુજીનાં પુસ્તકોના માધ્યમથી ભારત સાથે આધ્યાત્મિક જોડાણ કેળવનાર આ સાધ્વીજી ગિરનારની પાવન ભૂમિ પર પરિક્રમા કરી રહી છે.
બ્રાઝિલના સાધ્વીજી પોતાના અનુભવ વિશે જણાવ્યું હતું કે, તેને વાંચનનો પહેલેથી જ ખૂબ શોખ રહ્યો છે. ભગવદ્ ગીતા અને પોતાના ગુરુજીનાં પુસ્તકોના વાંચનથી ભારતીય આધ્યાત્મિકતા પ્રત્યે રસ જાગ્યો હતો. આ આધ્યાત્મિક જોડાણને પગલે ભારત આવવાનો નિર્ણય કર્યો હતો. ખાસ કરીને મહાકુંભ મેળામાં સહભાગી થવાની ઇચ્છા સાથે તે ભારત આવી હતી. હાલ તેને ભારતમાં આવ્યાને એક વર્ષ થયું છે અને હવે તે ગિરનાર લીલી પરિક્રમામાં જોડાઈ છે.

તેણીએ વધુમાં જણાવ્યું હતું કે, ગિરનાર પર આવીને અને પરિક્રમામાં સહભાગી બનીને તેને ખૂબ જ સારું લાગી રહ્યું છે. ભારતની આધ્યાત્મિક પરંપરા અને અહીંના ધાર્મિક વાતાવરણ સાથે જોડાવાની આ એક સુંદર તક છે. બ્રાઝિલથી ભારત સુધીની તેની આધ્યાત્મિક સફરમાં ગિરનાર લીલી પરિક્રમાનો અનુભવ પણ યાદગાર બની રહ્યો છે.
પોરબંદરના ભાવિકોએ વ્યવસ્થાની કરી પ્રશંસા
પોરબંદરના બખરલા ગામેથી પ્રથમ વખત ગિરનાર લીલી પરિક્રમામાં આવેલા ભાવિકે અહીંની વ્યવસ્થાઓ જોઈ આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓની સુવિધા અને સુરક્ષા માટે સુંદર આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ બંદોબસ્ત, આરોગ્ય સેવાઓ, ઠેરઠેર પીવાના પાણીની વ્યવસ્થા તેમજ અન્નક્ષેત્રો દ્વારા ભોજનની સુવિધાઓને કારણે પરિક્રમામાં કોઈ અગવડતા અનુભવાતી નથી. આ સુવિધાઓને કારણે પરિક્રમાર્થીઓને કોઈ મુશ્કેલી પડતી નથી અને પ્રથમ પરિક્રમાનો અનુભવ આનંદદાયક બન્યો છે.
મહારાષ્ટ્રના ભાવિકે જણાવ્યો અનુભવ
મહારાષ્ટ્રના પરળી વૈજનાથથી આવેલા ભાવિકે જણાવ્યું હતું કે, તેઓ બીજી વખત ગિરનાર લીલી પરિક્રમામાં જોડાયા છે. ગિરનારનું આધ્યાત્મિક મહત્ત્વ અને તેની પાવન ભૂમિ સાથેનો પરિચય થતાં તેમની આસ્થા વધુ દૃઢ બની છે. સંત જ્ઞાનેશ્વર મહારાજના હરિપાઠનું વિશેષ મહત્ત્વ છે, પરિક્રમા દરમિયાન તેઓ ગુરુપરંપરાના અભંગોનું ગાન કરીને ભક્તિભાવ વ્યક્ત કરી રહ્યા છે.

મહારાષ્ટ્રના ભાવિકો સામૂહિક રીતે હરિપાઠ અને અભંગોનું ગાન કરી રહ્યા છે. ભજન-કીર્તનના માધ્યમથી તેઓ પોતાની સંત પરંપરા અને ગુરુભક્તિને ગિરનારની પાવન ભૂમિ સાથે જોડી રહ્યા છે. ગિરનાર અને દત્ત શિખરનાં દર્શન કરવાની અભિલાષા સાથે આગામી વર્ષે ત્રીજી વખત પણ પરિક્રમામાં જોડાવાનો તેમણે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અમદાવાદના શ્રદ્ધાળુ આરોગ્ય સેવાની કરી પ્રશંસા
અમદાવાદથી આવેલા હાર્દિકભાઈ પરમાર, જેઓ છેલ્લાં છ- સાત વર્ષથી નિયમિત ગિરનાર લીલી પરિક્રમા કરી રહ્યા છે, તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે સુવિધાઓનો અભાવ હશે તેવી આશંકા હતી, પરંતુ અહીં આવીને જોયું તો ધારણા કરતાં પણ વધુ સારી વ્યવસ્થાઓ જોવા મળી છે.

હાર્દિકભાઈ પરમારે જણાવ્યું હતું કે, પરિક્રમા રૂટ પર વીજળી અને પીવાના પાણીની સુવિધા ખૂબ જ સારી રીતે ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓની વ્યવસ્થા, આરોગ્ય સેવાઓ અને દવાઓની ઉપલબ્ધતાને કારણે ભાવિકોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. ખાસ કરીને સમગ્ર રૂટ પર અન્નક્ષેત્રો દ્વારા ભોજનની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી શ્રદ્ધાળુઓને ભોજન માટે કોઈ ચિંતા રહેતી નથી.
