Girnar Lili Parikrama 2026: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની 36 કિમીની કઠિન લીલી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી અને ગુજરાતના ખૂણે ખૂણેથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ તળેટી ખાતે ઉમટી પડ્યા છે, પરિક્રમાનો પ્રવેશદ્વાર ખુલતાની સાથે જ નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધીના ભાવિકોએ જંગલના કઠિન માર્ગ તરફ પ્રયાણ કર્યું હતું. જોકે, કડકડતી ઠંડી, ભારે ભીડ અને જંગલ વિસ્તારા કઠિન ચઢાણને લીધે છેલ્લા ત્રણ દિવસમાં કુલ 5,444 જેટલા શ્રધ્ધાળુઓની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. જેમને આરોગ્ય વિભાગ દ્વારા ત્વરિત સારવાર પૂરી પાડવામાં આવી છે.
31 ભાવિકોને વીંછીના દંશ
લાખો પરિક્રમાર્થીઓની ભીડ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને બીમાર પડનારા ચાત્રાળુઓને ત્વરિત તબીબી મદદ મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગની ટીમો ખડે પગે રહી હતી. બોરદેવીથી ભવનાથ ક્ષેત્ર તરફના રુટ પર બપોરથી જ એમ્બ્યુન્સ સતત દોડતી જોવા મળી હતી.
મેડિકલ ઓફિસર ડો. હિમાંશુ લાખાણીએ આપેલી વિગતો અનુસાર, પરિક્રમાના ત્રણ દિવસ દરમિયાન જંગલના રૂટ પર 31 ભાવિકોને વીંછીએ દંશ માર્યા હતા. આ ઉપરાંત 3,342 શ્રદ્ધાળુઓને હૃદય અને શરીરના દુખાવાની ફરિયાદ ઉઠી હતી. જે દર્દીઓની બીમારી ખૂબ જ વિકટ જણાઈ હતી તેવા 26 જેટલા ગંભીર દર્દીઓને વધુ સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવાની ફરજ પડી હતી.
3 પરિક્રમાર્થીના હાર્ટ એટેકથી મોત
જ્યારે બીજી તરફ ભવનાથ, બોરદેવી, નળ પાણીની ઘોડી પર પરિક્રમાર્થીઓનું હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું હતું. જેમાં 30 વર્ષીય શ્રદ્ધાળુનું ભવનાથ પાર્કિંગમાં, રાજકોટના 44 વર્ષના પરિક્રમાર્થાનું બોરદેવીથી ભવનાથ તળેટી વચ્ચે મોત નિપજ્યું હતુ. જ્યારે એક 65 વર્ષીય વૃદ્ધાનું નળપાણીની ઘોડી ઉતરતા હ્રદયનો હુમલો આવતા અનંતની વાટ પકડી હતી.
તાવ અને શરદીના કેસો
કઠિન પરિક્રમા દરમિયાન બદલાતા હવામાન અને થાકને કારણે શરદી-તાવ અને શરીરના દુખાવાના કેસો સૌથી વધુ નોંધાયા છે, પરંતુ આરોગ્ય તંત્રની ત્વરિત કામગીરીને કારણે હજારો શ્રદ્ધાળુઓને સમયસર રાહત મળી શકી છે.
ત્રણ દિવસમાં કેટલા દર્દીઓને સારવાર?
આરોગ્ય વિભાગના સત્તાવાર આંકડા મુજબ, પરિક્રમાના ત્રણ દિવસમાં કુલ 5,444 યાત્રાળુઓને વિવિધ તકલીફો માટે પ્રાથમિક અને સઘન સારવાર આપવામાં આવી છે:
બીમારી / તકલીફ | સારવાર લેનાર દર્દીઓની સંખ્યા |
|---|---|
શરીર અને હૃદયનો દુખાવો | 3,342 |
શરદી | 915 |
તાવ | 508 |
ઝાડા | 69 |
ઉલ્ટી | 65 |
વીંછી દંશ | 31 |
અન્ય તકલીફો | 442 |
સિવિલ હોસ્પિટલમાં રિફર | 26 |
