Junagadh: આ વર્ષે ચોમાસાની વિદાય છતાં અરબી સમુદ્રમાં સર્જાયેલી અસ્થિરતાના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પાછોતરા વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. જેથી સૌરાષ્ટ્રમાં એક સપ્તાહના ગાળામાં વધુ એક ખેડૂતે હતાશ થઈને આપઘાત કર્યો છે. જેમાં જૂનાગઢના કેશોદમાં ખેડૂતે ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી ઠે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં રહેતા દાનાભાઈ નાથાભાઈ બાબરિયા (48) નામના ખેડૂતે પોતાના ઘર નજીક લીમડાના ઝાડ સાથે દોરી બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતાં પરિવારના સભ્યો તાત્કાલિક ખાનગી વાહનમાં દાનાભાઈને હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. હાલ તો આ મામલે કેશોદ પોલીસે નોંધ કરીને પરિવારજનોના નિવેદન નોંધ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક દાનાભાઈએ 10 વીઘામાં મગફળીનો પાક વાવ્યો હતો. જો કે પાછોતરા વરસાદના કારણે તેમનો પાક નિષ્ફળ ગયો હતો.જેના કારણે છેલ્લા એક અઠવાડિયાથી તેઓ ગુમસુમ રહેતા હતા. મૃતકને 4 દીકરીઓ છે, જે પૈકી બે પરણાવવા લાયક હોવાથી આર્થિક સંકડામણની ચિંતામાં તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહે જ રાજકોટ નજીકના સરધારમાં એક ખેડૂતે ઝેરી દવા ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી. જેમાં પણ મૃતક જેસીંગ મકવાણાએ બે એકર જમીનમાં મગફળી અને કોથમીરનો પાક વાવ્યો હતો. જો કે પાછોતરા વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં તેઓ ચિંતામાં મૂકાયા હતા અને અંતિમ પગલું ભર્યું હતુ.
