Junagadh: જૂનાગઢ જિલ્લાના વંથલીમાં ગઈકાલે ભારે પવન ફૂંકાવાના કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુક્સાન થયું છે. વંથલીના ધંધુસર ગામ સહિત આસપાસના વિસ્તારોામં તેજ પવન ફૂંકાતા કેરી ખરી પડી હતી. હજુ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહીને પગલે ખેડૂતો ચિંતિત બન્યા છે.
કેરીના ઉત્પાદન માટે ખેડૂતોને પ્રતિ વીઘા 3 હજાર રૂપિયા ખર્ચવા પડે છે. જો કે ભારે વરસાદના કારણે ખેડૂતોની મહેનત વ્યર્થ થઈ ગઈ છે. આ વર્ષે કેરીનું ઉત્પાદન ગત વર્ષ કરતાં ઓછું થયું છે. એવો અંદાજ છે કે, દર વર્ષ કરતાં આ વર્ષે 40 ટકાથી વધુ ઉત્પાદનમાં ઘટાડો થશે. કેરી ઉત્પાદક ખેડૂતોએ સરકાર દ્વારા તાત્કાલીક નુકસાનીનો સર્વે કરી સહાયની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો
જૂનાગઢ જિલ્લામાં વિસાવદર, વંથલી સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં ગતરાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે સામાન્ય વેપારીઓ અને ખાસ કરીને ઇજારદારોને લાખોનું નુકસાન થયું છે.
એક તરફ કેરીનો પાક મોડો આવ્યો છે અને બગીચાઓમાં કેરીની અછત છે. તેમાં પણ ગઈકાલે ભારે પવનને કારણે મોટાભાગની કેરીઓ પડી જવાના કારણે ખેડૂતો અને ઈજારાદારોને નુકસાન થયું છે. જેના કારણે સામાન્ય માળીઓ અને વેપારીઓને નુકસાની વેઠવી પડી છે, ત્યારે ઓચિંતી કુદરતી આફતના પગલે ખેડૂતો સરકાર પાસે મદદની માંગ કરી રહ્યા છે.
