Junagadh: જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના દેવગામના રવિસિંહ પરમાન નામના યુવકનું સેનામાં ફરજ બજાવવા દરમિયાન લદ્દાખમાં શહીદ થઈ ગયો છે. જેના પગલે સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ આજે ભગવાન મૃતકની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી છે.
ઈસુદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં પોસ્ટ મૂકીને લખ્યું છે કે, મારી સંવેદના શહીદ રવિસિંહ પરમારના પરિવારજનો સાથે છે. હું ગુજરાત સરકારને એક જ માંગ કરું છું કે, શહીદ રવિસિંહ પરમારના પરિવારને એક કરોડ રૂપિયાની સન્મામ રાશિ ચૂકવવામાં આવે.
જણાવી દઈએ કે, કારડીયા રાજપૂત સમાજનો 25 વર્ષીય રવિસિંહ 2021માં ITBPમાં સિપાઈની પોસ્ટ પર જોડાયો હતો. પોતાની 4 વર્ષની ફરજ દરમિયાન રવિસિંહ સિક્કિમ, મણિપુર,જમ્મુ-કાશ્મીર અને છેલ્લે લેહ-લદ્દાખમાં ફરજ બજાવી હતી. લદ્દાખમાં મા ભોમની રક્ષા કરતા રવિસિંહ શહીદ થઈ ગયા હતા.
રવિસિંહના મૃતદેહને લદ્દાખથી પ્લેન મારફતે રાજકોટ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી લશ્કરના વાહનમાં ગડોદર લઈ જવાયો હતો. આજે ગડોદરથી દેવગામ સુધીની શહીદ યાત્રા યોજીને રવિસિંહના પાર્થિવ દેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જે બાદ લશ્કરી માન-સન્માન સાથે રવિસિંહની અંતિમ યાત્રા નીકાળવામાં આવશે.
