Junagadh News: જૂનાગઢના માંગરોળ જિલ્લામાં જર્જરિત મકાન ધરાશાયી થતા બે લોકોના મોત નીપજ્યાં છે. શહેરના ચા બજાર વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. જર્જરિત મકાન અચાનક ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાઇ જવાથી દાદા અને પૌત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ દુર્ઘટનાથી વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, માંગરોળના ચા બજાર વિસ્તારમાં આવેલું એક જૂનું અને જર્જરિત મકાન અચાનક ધસી પડ્યું હતું. તે જ સમયે, એક દાદા પોતાના પૌત્ર સાથે બાઈક પર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. મકાનનો કાટમાળ સીધો તેમના પર પડ્યો હતો, જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને કમનસીબે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. કાટમાળ હટાવીને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.