Junagadh News: કેશોદમાં રખડતાં ઢોરનો આતંક યથાવત, બે આખલાએ હુમલો કરતા વૃદ્ધનું મોત

વોકિંગ પૂરું કરીને જ્યારે તેઓ પોતાની બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હનુમાન મંદિર પાસે બે આખલાઓ બાખડી રહ્યા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 30 May 2025 04:19 PM (IST)Updated: Fri, 30 May 2025 04:19 PM (IST)
junagadh-news-elderly-man-dies-in-bull-attack-in-keshod

Junagadh News: કેશોદ શહેરમાં રખડતા ઢોરની બેકાબૂ સમસ્યાએ વધુ એક નિર્દોષનો ભોગ લીધો છે. શ્રદ્ધા સોસાયટીના 65 વર્ષીય વૃદ્ધ પ્રવીણભાઈ મહેતાનું બે રખડતા આખલાઓના હુમલામાં કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાએ શહેરમાં રખડતા ઢોરના ત્રાસને લઈ તંત્રની ઘોર બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રવીણભાઈ મહેતા દરરોજની જેમ વહેલી સવારે એરપોર્ટ રોડ પર વોકિંગ માટે ગયા હતા. વોકિંગ પૂરું કરીને જ્યારે તેઓ પોતાની બાઈક લઈને ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે હનુમાન મંદિર પાસે બે આખલાઓ બાખડી રહ્યા હતા. આ દરમિયાન એક આખલાએ પ્રવીણભાઈ પર સીધો હુમલો કર્યો હતો. આ હુમલાના કારણે પ્રવીણભાઈનું માથું જોરથી જમીન પર પટકાયું હતું અને તેમને ગંભીર ઈજાઓ થઈ હતી.

હુમલા બાદ પ્રવીણભાઈને તાત્કાલિક કેશોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેમને જૂનાગઢ રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ જૂનાગઢ લઈ જતી વખતે રસ્તામાં જ તેમનું મોત થયું હતું.

મૃતકના પુત્ર દેવાંગ મહેતાએ આ ઘટના માટે નગરપાલિકાની સ્પષ્ટ બેદરકારીને જવાબદાર ઠેરવી છે. તેમણે કડક આક્ષેપ કરતા જણાવ્યું કે, મારા પપ્પાનું મોત કોણે કર્યું? આવા રખડતા ઢોરની જવાબદારી નગરપાલિકા પર છે. જો સમયસર એ આખલાઓ પકડવામાં આવ્યા હોત, તો આજે મારા પપ્પા મારી સામે હોત. હવે મારી માગ છે કે તંત્ર આવી ઘટનાને માત્ર અકસ્માત ન ગણે પરંતુ રખડતા ઢોરને લઈને સઘન કાર્યવાહી કરે.

દેવાંગ મહેતાએ ઉમેર્યું હતું કે, કેશોદ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ લાંબા સમયથી ચાલી રહ્યો છે અને આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. જેના પરિણામે આજે એક નિર્દોષનો જીવ ગયો છે.