Junagadh News: ગુજરાતભરમાં ભારે ચકચાર જગાવનાર ધારા કડીવાર હત્યા કેસમાં (Dhara Kadivar Murder Case) જૂનાગઢ સેશન્સ કોર્ટે આજે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.
કોર્ટે મુખ્ય આરોપી એવા જૂનાગઢના સૂરજ ભુવાજી (સૂરજ સોલંકી) સહિત કુલ પાંચ આરોપીઓને આજીવન કારાવાસની સજા ફટકારી છે. જ્યારે પુરાવાના અભાવે અન્ય ત્રણ આરોપીઓનો નિર્દોષ છૂટકારો કરવામાં આવ્યો છે.
પરિણીત ભુવાજી ધારા સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યો
જૂનાગઢમાં રહેતો સૂરજ સોલંકી લોકોને દોરા-ધાગા અને કેટલીક વિધિ કરી આપતો હોવાથી 'ભુવાજી' તરીકેની ઓળખ ધરાવતો હતો. તે પહેલેથી જ પરિણીત હતો અને બે સંતાનોનો પિતા હતો. આ દરમિયાન તે સોશિયલ મીડિયાના માધ્યમથી 22 વર્ષીય ધારા કડીવાર નામની યુવતીના સંપર્કમાં આવ્યો હતો. સમય જતાં બંને વચ્ચે નિકટતા એટલી હદે વધી ગઈ કે તેઓ અલગ મકાન ભાડે રાખીને લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા હતા.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ ધારા અને સૂરજ વચ્ચે અવારનવાર મોટા ઝઘડાઓ થતા હતા. ધારા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી હતી. પોતાના મોજશોખ પૂરા કરવા, મોંઘા કપડાં અને મોબાઈલ ખરીદવા તે સતત સૂરજ પાસે પૈસાની માંગણી કરતી હતી.
જ્યારે પણ સૂરજ પોતાની પત્ની અને બાળકોને મળવા જવાની વાત કરતો ત્યારે ધારા ઉશ્કેરાઈ જતી. સૂરજને પરિવાર પાસે જતા રોકવા માટે ધારા પોતાના જ હાથ પર તીક્ષ્ણ હથિયારના ઘા મારીને દબાણ ઉભું કરતી હતી.આ રોજબરોજના ત્રાસ અને ઝઘડાઓથી કંટાળીને સૂરજે ધારાને કાયમ માટે પોતાની જિંદગીમાંથી દૂર કરી દેવાનો પ્લાન ઘડ્યો હતો.
ચોટીલા નજીક વાડીએ લઈ જઈ ધારાની હત્યા કરી લાશને સળગાવી દીધી
પોતાના કાવતરા મુજબ, જૂન 2022માં સૂરજ અને તેના સાગરીતો ધારાને લઈને અમદાવાદ જવા નીકળ્યા હતા. રસ્તામાં અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા નજીક આવેલી સૂરજ ભુવાજીની વાડીએ તેઓ ધારાને લઈ ગયા.અહીં જ આરોપીઓએ ધારાને ગળેટૂંપો આપીને તેની ઘાતકી હત્યા નીપજાવી હતી. હત્યાનો ભેદ ક્યારેય ન ઉકેલાય તે માટે તેઓએ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવો પ્લાન બનાવીને લાશને સળગાવી દીધી હતી.
જોકે, ગુનેગાર ગમે તેટલો ચાલાક હોય, કાયદાના હાથથી બચી શકતો નથી. પોલીસે તે સમયે સઘન તપાસ કરીને આ હત્યાની મિસ્ટ્રી સોલ્વ કરી હતી અને કુલ 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આ કેસ જૂનાગઢ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખીને મુખ્ય સૂત્રધાર સૂરજ ભુવાજી સહિત 5 લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે.
