Junagadh: માણાવદરની શાકમાર્કેટમાં આખલાના આતંકથી લોકોમાં નાસભાગ, અનેક શાકની લારીઓ ઊંધી વાળી દીધી; જુઓ VIDEO

શાકભાજી લેવા આવેલી મહિલાઓ અને બાળકોનો માંડ જીવ બચ્યો, રખડતા ઢોરને પકડીને પાંજરે પૂરવાની સ્થાનિકોની માંગ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 18 Apr 2025 08:30 PM (IST)Updated: Fri, 18 Apr 2025 08:30 PM (IST)
junagadh-news-cattle-menace-bull-fight-in-manavadar-vegetable-market
HIGHLIGHTS
  • એક આખલો લડતા-લડતા દુકાનમાં ઘૂસી જતાં યુદ્ધ શાંત થયું

Junagadh: જૂનાગઢ જિલ્લાના માણાવદર શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે. જાહેર રસ્તા પર ગમે ત્યારે આખલા યુદ્ધ થતાં નાગરિકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આવો જ વધુ એક બનાવ શાકમાર્કેટ નજીકથી સામે આવ્યો છે.

હકીકતમાં માણાવદર શાકમાર્કેટમાં અચાનક બે આખલાઓ વચ્ચે ભયાનક યુદ્ધ સર્જાયું હતુ. જેના પરિણામે માર્કેટમાં શાકભાજી ખરીદવા આવેલા નાગરિકો અને વેપારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. વિફરેલા આખલાઓએ અનેક વેપારીની શાકભાજીની લારીઓ પણ ઉંધી વાળી દીધી હતી.

જે બાદ એક આખલો વેપારીની દુકાનમાં ઘૂસી જતાં યુદ્ધનો મહાપરાણે અંત આવ્યો હતો. આ ઘટનામાં શાકભાજી લઈ રહેલી મહિલાઓ અને બાળકોનો આબાદ બચાવ થયો હતો.

બીજી તરફ શહેરના લોકો લાંબા સમયથી રખડતા ઢોરને પકડીને પાંજરે પૂરવાની માંગ કરી રહ્યાં છે. જો કે તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં નથી આવી રહ્યાં. દરરોજ રખડતા ઢોરના કારણે નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. જેમાં અનેક નાગરિકોના હાડકાં ભાંગી જવાના બનાવો પણ સામે આવી ચૂક્યા છે. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ ના આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.