Junagadh: તાજેતરમાં જ જૂનાગઢથી ચૂંટાઈને સાંસદ બનેલા રાજેશ ચુડાસમાએ પોતાના આભાર દર્શન કાર્યક્રમમાં પોતાના વિરોધીઓને ગર્ભિત ધમકી આપી હતી. જેને લઈને ભાજપના કારોબારી સભ્ય રાકેશ દેવાણીએ વડાપ્રધાન, કેન્દ્રીય ગૃહમંત્રી, મુખ્યમંત્રી, ગૃહરાજ્ય મંત્રી, જિલ્લા પોલીસ વડા અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને અરજી આપી છે. જેમાં તેમણે પોતાના જાનને જોખમ હોવાની ફરિયાદ કરી છે.
હકીકતમાં ડૉ. અતુલ ચગના આપઘાત કેસમાં સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ઉછળ્યું હતુ. એ સમયે ભાજપના રાકેશ દેવાણીએ રાજેશ ચુડાસમા સામે બાંયો ચડાવી હતી. આ બાબતે રાકેશ દેવાણીએ વીડિયો રજૂ કરીને જણાવ્યું છે કે, અમારા વેરાવળ પંથકની અંદર, જૂનાગઢ અને સોમનાથ પંથકની અંદર સેવાના ભેખધારી ડૉ. અતુલ ચગે આપઘાત કર્યો હતો. તેમના આપઘાત કરવા પાછળ જવાબદાર તરીકે સ્યુસાઈડ નોટમાં રાજેશ ચુડાસમા અને નારણ ચુડસમાનું નામ લખ્યું હતુ.
આ પણ વાંચો
આ મામલે ભારે વિવાદ બાદ 3 મહિને FIR દાખલ થઈ હતી. જેમાં ગત ટર્મના સાંસદ રાજેશ ચુડાસમા અને નારણ ચુડસમાનું નામ ઉમેરવામાં આવ્યું હતુ. આ વખતે પણ ભાજપે તેમને ટિકિટ આપી. આજ દીન સુધી તેમની ધરપકડ નથી કરવામાં આવી અને તેમની સાથે સમાધાન થયાની વાતો વહેતી કરવામાં આવી છે. હજુ સુધી કોર્ટે દ્વારા તેમને ક્લીન ચીટ આપવામાં નથી આવી.
એવામાં રાજેશ ચુડાસમા નરેન્દ્ર મોદીના નામે અને તેમના પ્રત્યેની લાગણીઓના કારણે આ પંથકના લોકોએ તેમને મત આપીને જીતાડ્યા છે. તેમને જીતાડવા માટે ભાજપના તમામ કાર્યકરોએ અથાક મહેનત કરી તેથી તેઓ માંડ-માંડ જીતી શક્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજેશ ચુડાસમા સૌથી ઓછી લીડથી જીત્યા હોવા છતાં તેઓ ભાજપની ઉપરવટ જઈને આભારદર્શન કાર્યક્રમ કરીને ખુલ્લેઆમ ગર્ભિત ધમકી આપી હતી કે, ભાજપ હિસાબ કરે કે ના કરે, પરંતુ જે લોકો મને નડ્યા છે, તેમને હું છોડવાનો નથી.
આથી મને ડર લાગે છે, રાજેશ ચુડાસમાં પોતાના મળતિયાઓ મારફતે મારા પર હુમલો કરાવી શકે છે. રાજેશ ચુડાસમાથી મારી જાનને ખતરો છે. જો મને કે મારા પરિવારને કંઈ પણ થશે તો તેની સમગ્ર જવાબદારી રાજેશ ચુડાસમાની રહેશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, ભાન ભૂલેલા રાજેશ ચુડાસમાથી સમગ્ર પંથકમાં ભયનો માહોલ છે. રાજેશ ચુડાસમાના કારણે ભાજપની શાખને ધક્કો પહોંચ્યો હોવાથી પાર્ટીને એક્શન લેવા વિનંતી.
