Junagadh: જૂનાગઢ જિલ્લા જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણનો બનાવ સામે આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા પર અન્ય કેદીઓએ જીવલેણ હુમલો કરીને લોહીલુહાણ કરી નાંખ્યા છે. આ મામલે વિસાવદરના આપ ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા છે.
હકીકતમાં આમ આદમી પાર્ટીના જૂનાગઢ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા વિરુદ્ધ વીસાવદરમાં છેડતી અને એટ્રોસિટીની ફરિયાદ નોંધાઈ હતી. જેને લઈને હરેશ સાવલિયા હાલ જૂનાગઢની જેલમાં કેદ છે. આજે સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા સાગર ચાવડા સહિત અન્ય કેદીઓએ હરેશ સાવલિયા પર તૂટી પડ્યા હતા. અન્ય કેદીઓએ ધોલધપાટ કરીને આપ જિલ્લા પ્રમુખને લોહીલુહાણ કરી નાંખ્યા હતા.
આ પણ વાંચો
આ મામલે ઈજાગ્રસ્ત હરેશ સાવલિયાને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે જૂનાગઢ એ-ડિવિઝન પોલીસ મથકમાં હરેશ સાવલિયાએ મૂળ કોડિનારના તેમજ કાચા કામના કેદી તરીકે જૂનાગઢ જેલમાં સજા કાપી રહેલા સાગર ચાવડા સહિત અન્ય 7 કેદીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
બીજી તરફ સાગર ચાવડાએ પણ હરેશ સાવલિયા વિરુદ્ધ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરેશ સાવલિયા પર હુમલો પૂર્વનિયોજિત કાવતરું
બીજી તરફ AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધીને પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હતા. ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે, જૂનાગઢ જેલમાં બંધ AAP જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની અન્ય કેદીઓ સાથે માથાકૂટ થઈ હતી. જેમાં હરેશ સાવલિયા પર હિંસક હુમલો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના પૂર્વનિયોજિત કાવતરું છે.
