Junagadh: વિલીંગ્ડન ડેમમાં નહાવા પડેલા 3 પરપ્રાંતિય મિત્રોના ડૂબી જવાથી મોત, કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે મૃતદેહો બહાર કાઢ્યા

ફરવા નીકળેલા યુવકોનું ગ્રુપ ગરમીમાંથી રાહત મેળવવા ડેમની કૂંડીમાં કૂદ્યુ તે સાથે જ 3 મિત્રો પાણીના પ્રવાહમાં ખેંચાઈ ગયા હતા. જ્યારે ચાર મિત્રોએ સમયસર બહાર નીકળી બૂમાબૂમ કરી મૂકી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 May 2026 08:33 PM (IST)Updated: Fri, 08 May 2026 08:33 PM (IST)
junagadh-news-7-friend-from-up-drown-in-wellingdon-dam-3-youth-deadbody-recover
HIGHLIGHTS
  • રજાના દિવસે મોજ-મસ્તી માતમમાં ફેરવાઈ ગઈ

Junagadh: જૂનાગઢના પ્રખ્યાત પ્રવાસન સ્થળ વિલીંગ્ડન ડેમ ખાતે આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જેમાં ડેમની કૂંડીમાં નહાવા પડેલા સાત મિત્રોમાંથી ત્રણ યુવાનો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના કરુણ મોત નીપજ્યા છે. ઉત્તર પ્રદેશથી અહીં મજૂરી અર્થે આવેલા આ યુવાનો માટે રજાના દિવસની મોજ-મસ્તી આખરી સાબિત થઈ હતી.

કાળઝાળ ગરમીથી રાહત મેળવવા કૂંડીમાં પડતાં પાણીમાં ખેંચાયા

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મૂળ ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લાના બૈરાગી ગામના વતની અને હાલ જૂનાગઢમાં રહીને મજૂરી કામ કરતાં 7 મિત્રોનું ગ્રુપ આજે સાંજના સમયે વિલીંગ્ડન ડેમ ખાતે ફરવા આવ્યું હતુ.

આકરી ગરમીથી રાહત મેળવવા અને આનંદ પ્રમોદ માટે સાતેય મિત્રો ડેમની કૂંડીમાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન 3 યુવકો પાણીના પ્રવાહમાં ખેંચાઈને ગરકાવ થઈ ગયા હતા. આ સમયે તેની સાથે રહેલા અન્ય 4 મિત્રો બહાર નીકળી ગયા હતા. પોતાની નજર સામે જ મિત્રોને ડૂબતા જોઈને તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. જેના કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં જૂનાગઢ પોલીસ અને ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ફાયર ફાઈટરોએ ઊંડા પાણીમાં ઉતરીને વારાફરતી ત્રણેય યુવકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. હાલ તો જૂનાગઢ પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 જણા ડૂબ્યા

ગત સપ્તાહે આવો જ એક બનાવ રાજકોટમાંથી સામે આવ્યો હતો. જેમાં શહેરના ઘાંચીવાડમાં રહેતા ભરત જાદવ પોતાના બે પુત્રો અને સાળીના પુત્ર સાથે આજી ડેમ કાંઠે આવેલા મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાં દર્શન કર્યાં બાદ તમામ લોકો હાથ-પગ ધોવા માટે ડેમમાં ઉતર્યા હતા. આ દરમિયાન એક સભ્યનો પગ લપસતા તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને બચાવવા જતાં એક પછી એક તમામ લોકો ડૂબી ગયા હતા.