Devbhumi Dwarka: ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવ અને ક્રોસ ફાયરિંગની ઘટનામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયાના એક ક્રૂ મેમ્બરે જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી છે. સમુદ્રની વચ્ચે થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં વહાણ ક્ષતિગ્રસ્ત થતા ડૂબવા લાગ્યું હતું, જેમાં એન્જિન રૂમમાં ફરજ બજાવતા સલાયાના યુવાનનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું છે. આ ઘટના સ્ટ્રેટ ઓફ હોરમુઝ (Strait of Hormuz) માં બની હોવાના અહેવાલો મળી રહ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, 'MSV અલ ફૈઝે નૂરે સુલેમાની-1' નામનું વહાણ દુબઈથી માલસામાન ભરીને યમન તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન દરિયાઈ માર્ગે ઈરાન અને અમેરિકા વચ્ચે થઈ રહેલા ક્રોસ ફાયરિંગની ઝપેટમાં આ વહાણ આવી ગયું હતું. ગોળીબારને કારણે વહાણમાં મોટા ગાબડા પડતા તે પાણીમાં ડૂબવા લાગ્યું હતું.
સલાયાના અલ્તાફ કેર એન્જિન રૂમમાં હાજર હતા ત્યારે ગોળીબાર થયો
જેમાં વહાણના એન્જિનરૂમમાં હાજર સલાયાના વતની એવા અલ્તાફ તાલબ કેરને ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું હતુ. જ્યારે વહાણમાં સવાર અન્ય 17 ખલાસીઓને નજીકથી પસાર થઈ રહેલા અન્ય એક વહાણે સમયસર બચાવી લીધા હતા. હાલ આ તમામ ખલાસીઓ સુરક્ષિત દુબઈ પોર્ટ પર પહોંચી ચૂક્યા છે.
આ ઘટના અંગે ઇન્ડિયન સેલિંગ વેસલ્સ એસોસિયેશનના સેક્રેટરી આદમ ભાયાએ ભારત સરકારને ઇ-મેઇલ મારફતે તાકીદની રજૂઆત કરી છે. તેમણે માંગ કરી છે કે, મૃતક અલ્તાફ કેરના પાર્થિવ દેહને વહેલી તકે વતન સલાયા લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.
દુબઈ પહોંચેલા બાકીના 17 ભારતીય ખલાસીઓને તાત્કાલિક ભારત પરત લાવવામાં આવે. ડેથ સર્ટિફિકેટ સહિતના જરૂરી કાયદાકીય કાગળોની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ ઘટનાને પગલે સલાયાના ખલાસી સમુદાય અને મૃતકના પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
