Girnar Lili Parikrama 2026: જૂનાગઢના ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભક્તિનો અનોખો માહોલ જામ્યો છે. ગત વર્ષે પરિક્રમા બંધ રહેતા આ વર્ષે ભાવિકોની ભારે ભીડ ઉમટી પડતાં તંત્ર દ્વારા 19 નવેમ્બરના રોજ એક દિવસ પહેલા વહેલી પરિક્રમાનો પ્રારંભ કરી દેવાયો હતો. વહેલી શરુ થયેલી આ પરિક્રમામાં દેશ વિદેશ અને ગુજરાતની ખૂણે ખૂણેથી 2 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ માત્ર 36 કલાકમાં 36 કિમીની કઠિન યાત્રા પૂર્ણ કરીને પુણ્યનું ભાથું બાંધ્યું છે અને તળેટી ખાતે પરત ફર્યા છે.
ઝીણા બાવાની ઐતિહાસિક ચલમના દર્શન
ગિરનાર પરિક્રમાના પ્રથમ પડાવ એટલે કે, ઝીણા બાવાની મઢીનું ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ છે. એમાં પણ શ્રી ઝીણાબાવાની ચિલમનું વિશેષ આકર્ષણ છે. પરિક્રમાના પાંચ દિવસો દરમિયાન ઝીણા બાવા સાથે જોડાયેલી ઐતિહાસિક ચિલમને ભક્તો માટે ખાસ દર્શનાર્થે રાખવામાં આવે છે. ભવનાથનો ગેટ ખૂલ્યા બાદ પ્રથમ પડાવ પર પહોંચતા લાખો શ્રદ્ધાળુઓ અહીં વિશ્રામ કરે છે.
શ્રદ્ધાળુઓ અહીં અખંડ ધૂણા, રામનાથ મહાદેવ. દત્ત મહારાજ અને ઝીણા બાવાની સમાધિ સાથે આ ચિલમના ભાવપૂર્વક દર્શન કરી, 24 કલાક ધમધમતા અન્નક્ષેત્રનો પ્રસાદ ગ્રહણ કરીને યાત્રાળુઓ આગળની પરિક્રમા તરફ પ્રયાણ કરે છે.
શ્રદ્ધાળુઓએ રુટ અને ભોજન વ્યવસ્થાની પ્રશંસા કરી
આ વર્ષે પરિક્રમામાં જોડાયેલા કચ્છ, જામનગર અને સુરેન્દ્રનગર સહિતના વિવિધ વિસ્તારોના શ્રદ્ધાળુઓએ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની વ્યવસ્થાની ભરપૂર પ્રશંસા કરી છે, એક શ્રદ્ધાળુના જણાવ્યા અનુસાર, લીલી પરિક્રમા દરમિયાન બોરદેવી ખાતે ગુરુ દત્તાત્રેયના આશ્રમે પરંપરાગત રીંગણો ઓળો અને બાજરાના રોટલાના પ્રસાદનો આનંદ માણ્યો હતો.
અન્ય શ્રદ્ધાળુના જણાવ્યા પ્રમાણે પરિક્રમાના સમગ્ર રૂટ પર ઠેર-ઠેર અન્નક્ષેત્રો, પીવાના પાણીની સુવિધા, રાત્રિ રોકાણ માટેની વ્યવસ્થા અને સારા રસ્તાઓને કારણે ખુલ્લા પગે યાત્રા કરતા ભાવિકોને પણ જરાય થાક અનુભવાયો ન હતો.
કચ્છ અને સૌરાષ્ટ્રથી આવેલા યાત્રાળુઓએ પોતાના અનુભવો વ્યક્ત કરતા જણાવ્યું કે, ભવનાથ મહાદેવના મંદિરની સુંદરતા અને ગિરનારની ગોદમાં મળતી આધ્યાત્મિક શાંતિ અદભૂત છે, અને દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર જૂનાગઢની આ પરિક્રમાનો લ્હાવો અવશ્ય લેવો જોઈએ.
