ગિરનાર લીલી પરિક્રમામાં ભક્તોનો મહાસાગર! 6થી 7 લાખ શ્રદ્ધાળુઓ જંગલ માર્ગે, એક દિવસ વહેલા ખુલ્યા દ્વાર

જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની 36 કિમીની સુપ્રસિદ્ધ લીલી પરિક્રમાનો દેવઊઠી એકાદશીની મધરાતે વિધિવત પ્રારંભ થયો છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 21 Nov 2026 02:41 PM (IST)Updated: Sat, 21 Nov 2026 02:41 PM (IST)
girnar-lili-parikrama-2026-junagadh-7-lakh-devotees-jungle-route-gates-opened-early

Girnar Lili Parikrama 2026: જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વતની સુપ્રસિદ્ધ લીલી પરિક્રમાનો દેવઊઠી એકાદશીની મધરાતે ભક્તિભાવ અને ઉત્સાહભેર વિધિવત પ્રારંભ થયો હતો. રાત્રિના બરાબર 12 વાગ્યે સાધુ-સંતો અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રિબીન કાપી, શ્રીફળ અર્પણ કરી તેમજ ભગવાન દત્તાત્રેયની પૂજા-અર્ચના સાથે પરિક્રમાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે હર હર મહાદેવ અને જય ગિરનારીના ગગનભેદી નાદથી સમગ્ર ભવનાથ ધામ અને ગિરનાર પર્વત ગુંજી ઉઠ્યો હતો.

પરિક્રમામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા

ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન ગિરનારની 36 કિલોમીટર લાંબી લીલી પરિક્રમામાં દેશના વિવિધ રાજ્યોમાંથી તેમજ વિદેશથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પરંપરાગત રીતે યોજાતી આ પરિક્રમામાં લાખો શ્રદ્ધાળુઓ ગિરનારના પવિત્ર જંગલ માર્ગે પગપાળા યાત્રા કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

વિધિવત પ્રારંભ સમયે સાધુ-સંતો, ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધાર્મિક વિધિ અને પૂજા-અર્ચના બાદ પરિક્રમાના દ્વાર ખુલતાં જ શ્રદ્ધાળુઓનો પ્રવાહ જંગલ માર્ગ તરફ આગળ વધ્યો હતો.

શ્રદ્ધાળુઓ માટે નાસ્તો અને ભોજનની નિશુલ્ક વ્યવસ્થા

પરિક્રમા દરમિયાન શ્રદ્ધા સાથે માનવસેવાનો પણ અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ધાર્મિક સંગઠનો અને અન્નક્ષેત્રો દ્વારા પરિક્રમાના માર્ગ પર શ્રદ્ધાળુઓ માટે ચા, પાણી, નાસ્તો અને ભોજન પ્રસાદીની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. અનેક સેવાભાવી લોકો દિવસ-રાત ખડેપગે રહીને શ્રદ્ધાળુઓની સેવા કરી રહ્યા છે.

આ અંગે જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયાએ પરિક્રમાના ધાર્મિક અને સેવાકીય મહત્ત્વ અંગે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે સંત ઇન્દ્રભારતી બાપુ અને જગદગુરુ મહેન્દ્ર આનંદ બાપુએ પણ પરિક્રમામાં ભક્તિ અને માનવસેવાના મહત્ત્વને ઉજાગર કર્યું હતું.

એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ પરિક્રમા પૂર્ણ કરી

નોંધનીય છે કે આ વર્ષે પરિક્રમામાં શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડ જોવા મળી છે. વિધિવત પ્રારંભ થાય તે પહેલાં જ ઇટવા ગેટ પાસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થઈ ગયા હતા. ભીડના ભારે દબાણને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા નિર્ધારિત સમય કરતાં એક દિવસ વહેલા પરિક્રમાના દ્વાર ખોલવાની ફરજ પડી હતી. જેના પરિણામે અંદાજે એકથી દોઢ લાખ શ્રદ્ધાળુઓએ વિધિવત પ્રારંભ પહેલાં જ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. હાલમાં પણ અંદાજે છથી સાત લાખ શ્રદ્ધાળુઓ પરિક્રમા માર્ગ પર આગળ વધી રહ્યા હોવાનું જણાવાયું છે.

મહારાષ્ટ્રના પુણે સહિત દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી આવેલા શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આમ, ગિરનારની પવિત્ર ભૂમિ પર યોજાતી લીલી પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા જ નહીં, પરંતુ આસ્થા, સંસ્કૃતિ, પરંપરા અને માનવસેવાનો અનોખો મહોત્સવ બની છે. હર હર મહાદેવ અને જય ગિરનારીના નાદ સાથે લાખો શ્રદ્ધાળુઓ ગિરિરાજની પરિક્રમા કરી ધન્યતા અનુભવી રહ્યા છે.