Girnar Lili Parikrama 2025: ગિરનારની લીલી પરિક્રમા કરવા જવાનો પ્લાન બનાવ્યો છે? જતાં પહેલા જાણી લો શું ધ્યાન રાખવું

ગિરનારની લીલી પરિક્રમા 2 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. જો તમે આ વર્ષે પરિક્રમા કરવા જઈ રહ્યો છો તો તમારે આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 28 Oct 2025 03:23 PM (IST)Updated: Tue, 28 Oct 2025 03:23 PM (IST)
junagadh-girnar-lili-parikrama-2025-guide-what-to-keep-in-mind

Girnar Lili Parikrama 2025: ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાય છે. આ વર્ષે 2 નવેમ્બરથી લઈને 5 નવેમ્બર સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાશે. પરિક્રમા રુટ પર તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

ગિરનારની પરિક્રમા 36 કિલોમીટર છે. કેટલાક લોકો પરિક્રમા એક જ દિવસમાં પૂર્ણ કરી લે છે. તો અનેક લોકો જંગલમાં રાતવાસો કરીને પણ આ અદભૂત પરિક્રમાનો આનંદ માણે છે. પરિક્રમા પર જતી વખતે પરિક્રમાવાસીઓએ આ બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જોઈએ. જાણો કઈ છે આ બાબતો

ગિરનાર લીલી પરિક્રમા પર જતી વખતે શું ધ્યાન રાખવું

  • પરિક્રમા કરતી વખતે વધારે સામાન સાથે ન રાખવો, નહિં તો તેને સાથે લઈને ફરવો મુશ્કેલીરુપ બને છે. જો તમારી સાથે વધારે સામાન છે તો ભવનાથ તળેટીની નજીકની હોટેલ અથવા ધર્મશાળામાં અમુક પૈસા આપીને સાચવવા આપી શકો છે. જ્યાં 30 થી 50 રુપિયા સુધીનો ચાર્જ લેવામાં આવે છે.
  • પરિક્રમા પર જતી વખતે કોઈ પણ પ્રકારની કિંમતી ચીજ વસ્તુ સાથે ન રાખવી. કારણ કે વધારે ભીડ થતી હોવાથી ચોરી થવાનો ભય રહે છે.
  • પરિક્રમા રુટ પર જમવાની પણ વ્યવસ્થા હોય છે એટલે ભોજનની ચિંતા કરવાની જરુરિયાત રહેતી નથી. હા તમે ઈચ્છો તો કાચું શાકભાજી સાથે લાવીને જંગલમાં તને બનાવીને જમી શકો છો.
  • પરિક્રમા કરતી વખતે પાણીની ભરેલી બોટલ સાથે રાખવી. કારણ કે ચાલતી વખતે વધારે થાક લાગે છે. ઉપરાંત જે તે સ્થળે પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવે છે તે થોડા દૂર દૂરના અંતરે આવેલ હોય છે.
  • પરિક્રમા રુટ એ જંગલની વચ્ચે છે. માટે એકલા ક્યાંય ન જવું. જે માર્ગ નક્કી કરેલો છે. ત્યાંથી જ ચાલવું. અલગ રસ્તો ન પકડવો કારણકે અહીં જંગલી પ્રાણીઓ વસે છે.
  • જંગલનું ચડાણ ઘણું કપરું છે. માટે સાથે એક લાકડી પણ રાખવી જેનાથી તમને ચડવા ઉતરવામાં થોડો ટેકો મળી શકે.
  • જો તમે રાત રોકાવાના હોવ તો એક જોડી કપડાં સાથે રાખવા જરુરી છે. કારણ કે અહીં ઝાડી ઝાંખરા હોવાથી ક્યાંક કપડાં ફસાઈ જતાં ફાટી જવાનો ભય રહે છે.
  • જો તમે કોઈ બિમારીથી પીડિત છો તેની દવા પણ સાથે રાખવી જરુરી છે.
  • પરિક્રમા રુટ પર કોઈ પ્રાણી દેખાય તો તેની છેડતી ન કરો. પ્રાણી ઉશ્કેરાઈ જતાં તમારા પર હુમલો કરી શકે છે.
  • રાતવાસો કરવાનો હોવ તો ટોર્ચ પણ સાથે રાખવી. પણ જરુર સિવાય તેનો ઉપયોગ ન કરવો.
  • આ વખતે વરસાદ પણ પડી શકે છે, માટે તમે કોઈ પ્લાસ્ટિક અથવા છત્રી પણ સાથે રાખી શકો છો.
  • એવું માનવામાં આવે છે કે જંગલમાં કોઈ ચીજ ભૂલીને ન આવવી અને કોઈ સાથે જંગલની સાથે લઈને ન આવવી.