Junagadh District (Jilla) Panchayat Election Results 2026: જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં આજે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિસાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ઉમેદવાર ભૂપત ભાયાણીને ઘરઆંગણે જ પરાજયનો સામનો કરવો પડ્યો છે.
જૂનાગઢ જિલ્લા પંચાયતની હાઈપ્રોફાઈલ ગણાતી ભેસાણ બેઠક પર ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનો 1700 મતોથી પરાજય થયો છે. આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયેલા ભૂપત ભાયાણી માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ હતી, પરંતુ મતદારોએ તેમને જાકારો આપતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.
આ બેઠક પર વિરોધ પક્ષના ઉમેદવારે શરૂઆતથી જ લીડ જાળવી રાખી હતી અને અંતે 1700 મતોના અંતરથી ભૂપત ભાયાણીને પરાજિત કર્યા છે. પૂર્વ ધારાસભ્યની આ હારને કારણે જૂનાગઢ ભાજપમાં સોપો પડી ગયો છે, જ્યારે વિજેતા પક્ષના કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.
