Junagadh: 8 જળાશયો ઓવરફ્લો થતાં ઘેડ પંથક જળબંબાકાર, વિસાવદર, મેંદરડા, વંથલી, કેશોદ તાલુકાના 41 ગામને એલર્ટ કરાયા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Sat, 01 Jul 2023 09:03 AM (IST)Updated: Sat, 01 Jul 2023 09:03 AM (IST)
junagadh-41-villages-of-visavdar-mendara-vanthali-keshod-talukas-alerted

જૂનાગઢ જિલ્લાનાં આઠ જેટલા ડેમ જેમાં બાદલપુર ડેમ, આણંદપુર ડેમ, ઉબેણ વિયર કેરાળા ડેમ, આંબાજળ ડેમ જાબુંડી, ધ્રાફ્સ ડેમ સરસઈ, ઓઝત વિયર સાપુર વંથલી ડેમ અને ઓઝત વિયર ખોરાશા વંથલી ડેમમાં નવા નીરની આવક થતાં ઓવર ફ્લો થવા પામ્યાં છે. જેનાં પગલે ડેમની આસપાસનાં કેશોદ, મેંદરડા, વંથલી, વિસાવદર સહિતનાં તાલુકાનાં 41 જેટલાં ગામોને હાઈ એલર્ટ પર રાખી નદીનાં પટમાં ન જવા અને પાણીની સપાટીથી દૂર રહેવા સૂચનાં આપી છે.

આ ઉપરાંત જિલ્લાનાં પાંચ જેટલા રસ્તાનું સંપુર્ણ ધોવાણ થવા પામ્યું છે. જેમાં માણાવદરનો આખા-ટીકર રોડ, વિસાવદરનો ધારી બાયપાસ રોડ, જૂનનાગઢનો મેંદરડા-ખડિયા રોડ અને બાલાગામ-બામણાસાનો આખા રોડનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાનું ધોવાણ થતાં વાહનવ્હાર માટે હાલ બંધ કરવામાં આવ્યાં છે. પરંતુ તેનાં બદલે ગામજનોને અવર-જવર કરવા માટે મુશ્કેલી ન પડે તે માટે વૈક્લપિક રસ્તા શરૂ છે.

જૂનાગઢ શહેરની જીવાદોરી સમાન અને ગિરનાર જંગલ વિસ્તારમાં આવેલો હસ્નાપુર ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર ત્રણ ફૂટનું અંતર જ રહ્યું છે. આ ડેમ ઓવરફ્લો થવાથી શહેરની મોટા ભાગની પીવાના પાણીની સમસ્યા એક ઝાટકે હાલ થઈ જશે.

હાલ આ ડેમ 30.99 ફૂટ ભરાઈ ગયેલ છે. અને તેમાં 147.22 મીટર ગેજ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. આ ડેમમાં 296.65 મીટર ઘન ફૂટ પાણી સંગ્રહ કરવાની કેપેસીટી છે, જેની સામે હાલ 247.23 મીટર ઘનફૂટ પાણીનું લેવલ છે. જયારે 2295 કયુસેક પાણીની આવક સતત ચાલુ હોય આવનારા કલાકોમાં આ ડેમ ઓવરફ્લો થવાની શક્યતાઓ રહેલી છે. જેને લઈને સિંચાઈ વિભાગ દ્વારા હસ્નાપુર ડેમના નીચાણવાળા બામણગામ, ડેરવાણ, ગલિયાવાડ, સાબલપુર, સરગવાડા અને વીરપુર ગામોને સાવચેત કરાયા છે.