Junagadh News: પૂર્વ મંત્રી જવાહર ચાવડા દ્વારા ગઇકાલે માણાવદરમાં રોજગારી સહાયતા અભિયાનનો પ્રારંભ કર્યો છે. આજે મંગળવારે વંથલીના સખર ભવન ખાતે આ અભિયાન યોજાયો છે. ગઇકાલે જવાહર ચાવડાએ ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીના નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેમણે પોતાના આ અભિયાનને વ્યાજબી ગણાવી આક્ષેપોને વાતને ડાયવર્ટ કરવાના પ્રયાસો ગણાવ્યા હતા. બીજી તરફ લાડાણીએ અભિયાનને રાજકીય સ્ટંટ ગણાવ્યું હતું.
કોકના પેટમાં તેલ રેડાયું છે: જવાહર ચાવડા
આ અભિયાનની શરૂઆત વેળાએ પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું હતું કે, તેમના પર થતા આક્ષેપો તેમની વાતને ભટકાવવા માટે છે, અને સમય આવ્યે દરેકને જવાબ આપવામાં આવશે. કોકના પેટમાં તેલ રેડાયું છે, જે દર્શાવે છે કે તેમનો મુદ્દો અને અભિયાન વ્યાજબી છે. માણાવદરના પ્રજાપતિ સમાજ ખાતે આયોજિત કાર્યક્રમમાં તેમણે આ અભિયાનનો બીજો તબક્કો શરૂ કર્યો, જેમાં તેઓ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં 15 દિવસનો પ્રવાસ કરી બેરોજગારીની સમસ્યાઓ જાણશે.
પેપર ફૂટી જવા સહિતની અનેક સમસ્યાઓ પ્રકાશમાં આવી
ચાવડાએ માહિતી આપી કે, અભિયાનના પ્રથમ તબક્કામાં હજારો લોકોના સંદેશા અને ફોન આવ્યા હતા. બીજા તબક્કામાં અત્યાર સુધીમાં 250 જેટલા ફોર્મ મળ્યા છે, જેમાં 50 ટકાથી વધુ ફોર્મ વડીલો દ્વારા તેમના બાળકોની બેરોજગારીની સમસ્યાઓ દર્શાવે છે. ઉંમર વટાવી જવી, પેપર ફૂટી જવા, અને ફોર્મ રદ્દ થવા જેવી અનેક સમસ્યાઓ પ્રકાશમાં આવી છે. આ મુદ્દાઓને સરકાર અને કંપનીઓ સમક્ષ રજૂ કરીને ઉકેલ લાવવાનો તેમનો ઉદ્દેશ્ય છે.
આ પ્રકારના અભિયાન માત્ર રાજકીય હેતુ માટેઃ અરવિંદ લાડાણી
બીજી તરફ, ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જવાહર ચાવડાના અભિયાન પર પ્રતિક્રિયા આપતા તેને રાજકીય સ્ટંટ ગણાવ્યો હતો. લાડાણીએ આક્ષેપ કર્યો કે ચાવડાની સંસ્થાઓમાં રોજગારની તકો હોવા છતાં લોકોએ નોકરી ગુમાવી હતી. તેમણે વધુમાં પ્રશ્ન ઉઠાવ્યો કે, હવે એના ટેકેદારો આપમાં ગયા છે, તો બીજું શું ગણવું? લાડાણીએ કહ્યું કે બેરોજગારી ઘણા વર્ષોથી છે, અને આ પ્રકારના અભિયાન માત્ર રાજકીય હેતુ માટે હોય છે.