Girnar Lili Parikrama 2026: ભાવિકો સમય પહેલાં ન પહોંચતા! કલેક્ટરે કરી ખાસ અપીલ, જાણો કારણ

ગિરનાર લીલી પરિક્રમા 2026 માટે વહીવટી તંત્ર સજ્જ. કલેક્ટર યોગેશ ચૌધરીની ભાવિકોને અપીલ, સમય પહેલાં ન પહોંચવા સૂચના આપી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 19 Nov 2026 10:21 AM (IST)Updated: Thu, 19 Nov 2026 10:21 AM (IST)
girnar-parikrama-2026-junagadh-collector-yogesh-chaudhary-important-instructions-for-devotees

Girnar Lili Parikrama 2026: તા.20 નવેમ્બરની મધ્યરાત્રીથી શરૂ થતી ગિરનાર લીલી પરિક્રમા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ બન્યું છે. આ સંદર્ભે જિલ્લા કલેકટર યોગેશ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગિરનાર લીલી પરિક્રમા પધારતા ભાવિકો માટે મહત્વપૂર્ણ જાણકારી આપી હતી.

લીલી પરિક્રમાને લઈને મહત્વની માહિતી

જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમાનો સમગ્ર માર્ગ વન્યજીવ અભયારણ્ય વિસ્તારમાં આવે છે અને વન વિભાગ દ્વારા માર્ગનું નિરીક્ષણ કરી તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરએ ખાસ ઉમેર્યું કે, સાધુ-સંતો સાથે બેઠક યોજી તેમના સૂચનો મેળવ્યા બાદ પરિક્રમાના આયોજન અંગે જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા છે. તા.20 નવેમ્બરની મધ્યરાત્રિએ પ્રારંભ થશે.

ભાવિકોએ નિર્ધારિત સમય કરતાં વહેલા પહોંચવું નહીં. વહેલા પહોંચવાથી પ્રવેશદ્વાર પર ભીડ થવાની અને અન્ય શ્રદ્ધાળુઓને અગવડતા પડવાની શક્યતા છે. તેથી ભાવિકોએ સમયસર પહોંચીને વ્યવસ્થામાં સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. પરિક્રમાના છેલ્લા દિવસે સવારે સાત વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે. આ સમયમર્યાદામાં પ્રવેશ મેળવનારા ભાવિકોએ તે જ દિવસે સાંજ સુધીમાં પરિક્રમા પૂર્ણ કરીને બહાર આવી જવાનું રહેશે.

પરિક્રમા રુટ પણ પાણીની વ્યવસ્થા

જિલ્લા કલેક્ટરએ વધુમાં જણાવ્યું કે, આ વર્ષે ઓછા વરસાદના કારણે ખાસ કરીને ગિરનાર વિસ્તારમાં પાણીની અછતની સ્થિતિ છે. તેમ છતાં ભાવિકોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે તે માટે પૂરતા પ્રમાણમાં બોરની વ્યવસ્થા કરવામાં આવી છે. ગત વર્ષે પાંચ હજાર લીટરની ક્ષમતાના 29 ટેન્ક વિવિધ સ્થળોએ મૂકવામાં આવ્યા હતા. તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં 51 ટેન્ક મૂકવામાં આવ્યા છે અને આગામી બે દિવસમાં તેમાં વધુ વધારો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક ટેન્ક સાથે આઠથી દસ નળની વ્યવસ્થા છે. આ ઉપરાંત માળવેલા અને નળપાણીની ઘોડી પર પણ પાણી પહોંચાડવામાં આવ્યું છે, જેથી ઉપરના વિસ્તારોમાં પણ ભાવિકોને પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે.

જંગલમાં પ્લાસ્ટીક ન લઈ જવા અપીલ

ગિરનાર અભયારણ્ય વિસ્તારમાં પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તે સંદર્ભેમાં જિલ્લા કલેક્ટરે ભાવિકોને પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુ સાથે જંગલ વિસ્તારમાં પ્રવેશ ન કરવા અપીલ કરી હતી. પ્રવેશદ્વારો પર ચકાસણી ઉપરાંત પોલીસ અને વન વિભાગ દ્વારા અલગ-અલગ સ્થળોએ તપાસ કરવામાં આવશે. 10 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ પણ બનાવવામાં આવી છે. ગિરનારના નૈસિર્ગિક સૌંદર્યં અને વન્યજીવોના સંરક્ષણ માટે સૌએ સહયોગ આપવો જરૂરી છે.

ઓછા વરસાદના કારણે ગિરનારમાં સૂકાં પાંદડાઓનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે આગ લાગવાનું જોખમ પણ રહેલું છે. આ સ્થિતિને ધ્યાને રાખીને વન વિભાગ દ્વારા પાંચ દવ ટુકડીઓ વિવિધ ઘોડીઓ પર તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત આશરે 30 રાવટીઓ પર ફાયર બ્લોઅરની વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિકોએ ધૂમ્રપાન સહિતની પ્રવૃત્તિઓ દરમિયાન વિશેષ સાવચેતી રાખવા અને આગ ન લાગે તેની તકેદારી રાખવા જિલ્લા કલેક્ટરે સવિશેષ અપીલ કરી હતી.

2500 કર્મીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે

પરિક્રમા દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાની જવાબદારીમાં પોલીસ તથા વન વિભાગની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહેશે. બંને વિભાગના અંદાજે 2,500 જેટલા કર્મચારીઓ ભવનાથ અને પરિક્રમાના રૂટ પર તૈનાત રહેશે. આ ઉપરાંત એસડીઆરએફની બે વધારાની ટુકડીઓ ફાળવવામાં આવી છે, જેમાંથી એક ટુકડી આવી ચૂકી છે અને બીજી ટુકડી આગામી બે દિવસમાં પહોંચશે. વન વિભાગ અને પોલીસ દ્વારા વિસ્તારમાં આશરે 17 સ્ટેટિક લોકેશન પણ તૈયાર કરવામાં આવ્યાં છે, જ્યાં સ્ટાફ તૈનાત રહેશે. તેમ પણ તેમણે જણાવ્યું હતું.. દર વર્ષે અંદાજે 8થી 15 લાખ ભાવિકો પરિક્રમામાં જોડાતા હોવાથી તમામ શ્રદ્ધાળુઓએ વહીવટી તંત્રને સહયોગ આપવા કલેક્ટરએ અપીલ કરી હતી.