Girnar Parikrama 2025: આગામી 2 નવેમ્બરથી શરૂ થનારી સુપ્રસિદ્ધ ગિરનાર લીલી પરિક્રમાના આયોજન પર કમોસમી વરસાદનું સંકટ ઘેરાયું છે. છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ જિલ્લામાં પડી રહેલા અનરાધાર વરસાદના કારણે પરિક્રમાના રૂટ પર ભારે નુકસાન થયું છે અને રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ સ્થિતિને પગલે જિલ્લા વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે, જોકે પરિક્રમા રદ્દ કરવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી. આગળના દિવસોમાં હવામાન અને વરસાદની સ્થિતિ શું રહેશે તેના પર ગિરનારની લીલી પરિક્રમા થશે કે નહીં તે નિર્ભર છે.
કમોસમી વરસાદને લીધે લીલી પરિક્રમાના રસ્તાઓ ધોવાઈ જતા તંત્ર હાલ ચિંતામાં છે. જોકે લીલી પરિક્રમાને રદ્દ કરવાનો કોઈ નિર્ણય હાલના તબક્કે લેવાયો નથી. પરંતુ જિલ્લા વહિવટી તંત્ર લીલી પરિક્રમાના રૂટ ધોવાઈ જવાના કારણે ભારે ચિંતામાં છે. આજે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ પરિક્રમા રૂટના વીડિયો જાહેર કર્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગિરનારની લીલી પરિક્રમાના રૂટની સ્થિતિ કમોસમી વરસાદના કારણે દયનિય છે. રસ્તા પર ઠેર ઠેર કાદવનું સામ્રાજ્ય છે. જંગલ વિભાગનું વાહન પણ મહામુસિબતે પસાર થઈ રહ્યું છે.
?ગિરનાર લીલી પરિક્રમાના રૂટ પરના રસ્તાઓની હાલની પરિસ્થિતિ…@CMOGuj @sanghaviharsh @arjunmodhwadia @revenuegujarat @InfoGujarat @InfoJunagadhGoG pic.twitter.com/2SuriAPeZ2
— Collector Junagadh (@collectorjunag) October 30, 2025
કલેક્ટર રાણાવસિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમા માટેની તમામ તૈયારીઓ, જેમાં રૂટની મરામત, રોડ-રસ્તા, આરોગ્ય સુવિધાઓ, પીવાના પાણી અને લાઇટની વ્યવસ્થાનો સમાવેશ થાય છે, તે પૂર્ણ કરી દેવામાં આવી હતી. જોકે, છેલ્લા ચારેક દિવસના વરસાદે આ તૈયારીઓ પર પાણી ફેરવી દીધું છે અને પરિક્રમા રૂટ પર માટી અને કીચડનું પ્રમાણ વધી ગયું છે.
આગામી 31મી ઓક્ટોબર સુધી જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે, કલેક્ટરએ શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગિરનાર લીલી પરિક્રમામાં આવનારા ભાવિકોએ હવામાન વિભાગના અપડેટ્સ પર સતત નજર રાખવી અને વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને જ પોતાના પ્રવાસનું આયોજન કરવું હિતાવહ છે. ખાસ કરીને બાળકો, દિવ્યાંગો, અશક્ત અને વયોવૃદ્ધ લોકોને વિશેષ તકેદારી રાખવા સૂચન કરવામાં આવ્યું છે. સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રોને પણ 30 ઓક્ટોબર સુધી વાહન ન લઈ જવા માટે સૂચના આપવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે ખાતરી આપી હતી કે, વાતાવરણમાં ઉઘાડ થવાની સાથે જ ગિરનાર લીલી પરિક્રમાના રૂટના રિપેરિંગની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવશે. હાલ વહીવટી તંત્ર વરસાદની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને 31મી ઓક્ટોબરે આ અંગે વધુ અપડેટ જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રની ટોચની પ્રાથમિકતા પરિક્રમામાં પધારતા ભાવિકોની સુરક્ષા અને સલામતી છે.
