Girnar Lili Parikrama 2024: જૂનાગઢમાં આ વર્ષે લીલી પરિક્રમા 12 નવેમ્બરથી શરૂ થશે અને પાંચ દિવસ સુધી ચાલશે. ભક્તો ગિરનાર પર્વતની આસપાસ કુલ 36 કિલોમીટરનું અંતર કાપી પરિક્રમા પૂર્ણ કરે છે.
ગિરનારની લીલી પરિક્રમાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે ગિરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિર્વાદ મેળવ્યાનો અનુભવ કરે છે. માન્યતા પ્રમાણે જે કોઈ આ પરિક્રમા કરે છે તે સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે.
કોણે કરી હતી ગિરનારની પ્રથમ લીલી પરિક્રમા
ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનું માનવામાં આવે છે. પુરાણોની ધાર્મિક કહાની અનુસાર બહેન સુભદ્રાના લગ્ન માટે ભગવાન શ્રી કૃષ્ણએ પ્રથમ પરિક્રમા કરી હતી. પરિક્રમાના ત્રીજા પડાવ બોરદેવીની જગ્યા ખાતે બોરડીના વૃક્ષ નીચે આવેલ માતાજીના મંદીર પાસે બહેન સુભદ્રા અને અર્જુનનાં લગ્ન કરાવ્યા હતા.
૩૩ કરોડ દેવતાઓએ શ્રી કૃષ્ણ સાથે વસવાટ કર્યો હતો
સતત અગીયારસથી પૂનમ સુધી ભગવાન શ્રી કૃષ્ણએ ગીરનારના જંગલમાં વાસ કર્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી પરિક્રમા બાદ આ પરિક્રમાનો સિલસીલો શરૂ થયું હોવાનું કહેવાય છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અહીં રોકાયા હતા ત્યારે ૩૩ કરોડ દેવતાઓએ ભગવાન શ્રી કૃષ્ણનું સાનિધ્ય મેળવવા માટે અહીં તેમની સાથે વસવાટ કર્યો હતો.
