ગીરનારની લીલી પરિક્રમાની તૈયારીઓ જોરશોરથી શરૂ: ભવનાથમાં લાઈટ-પાણીની વ્યવસ્થા અને અન્નક્ષેત્રો ધમધમ્યા; 20 નવેમ્બરે યોજાશે ઠાકોરજીની શોભાયાત્રા અને તુલસી વિવાહ

આગામી તારીખ 20 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિકો ઉમટી પડવાના છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 16 Nov 2026 07:39 AM (IST)Updated: Mon, 16 Nov 2026 07:39 AM (IST)
girnar-lili-parikrama-preparations-in-junagadh-lights-water-annakshetra-setup
ગીરનારની લીલી પરિક્રમા

Girnar Lili Parikrama 2026: સૌરાષ્ટ્રના સૌથી મોટા અને આસ્થાના કેન્દ્ર સમાન એવા પૌરાણિક ગિરનારની લીલી પરિક્રમા (Girnar Lili Parikrama) ની તૈયારીઓ હવે આખરી ઓપ તરફ આગળ વધી રહી છે. આગામી તારીખ 20 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, જેમાં દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને ભાવિકો ઉમટી પડવાના છે. આ મહાપર્વને ધ્યાનમાં રાખીને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા ભવનાથ ક્ષેત્રમાં યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

મનપા દ્વારા લાઈટ અને પાણીની વિશેષ વ્યવસ્થા

પરિક્રમાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તંત્ર સક્રિય બન્યું છે. મનપા દ્વારા ભવનાથ ક્ષેત્રમાં રૂપાચત રોડ પર લાઈટ ફીટીંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેથી રાત્રે આવતા શ્રદ્ધાળુઓને અજવાળું મળી રહે. આ ઉપરાંત, પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પાણીની ટાંકીઓનું ફીટીંગ પણ શરૂ કરી દેવાયું છે. પરિક્રમા રૂટ પર પાણીની સુવિધા ઊભી કરવા માટે ખાસ રૂપાચત રોડ પર પાણીની ટાંકીઓ પણ મૂકવામાં આવી રહી છે, જેથી લાખોની મેદનીને શુદ્ધ પીવાનું પાણી સરળતાથી મળી રહે.

સુરત, મોરબી સહિતના ઉતારા અને અન્નક્ષેત્રો ધમધમ્યા

ભવનાથ ક્ષેત્રમાં હાલ સુરત, મોરબી સહિતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા સેવાભાવી મંડળો દ્વારા ઉતારા અને અન્નક્ષેત્રો માટેના મંડપો બાંધવાની શરૂઆત થઈ ગઈ છે. ભવનાથ પોલીસ સ્ટેશન પાછળના ભાગમાં આવેલા હનુમાન ધામ સુરતની જગ્યાએ અન્નક્ષેત્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં મોટી સંખ્યામાં ભાવિકો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે.

અહીં છેલ્લા 115 વર્ષથી અવિરતપણે પરિક્રમા અને શિવરાત્રી પર અન્નક્ષેત્ર ચલાવવામાં આવી રહ્યું છે. હાલ ત્રીજી પેઢી આ સેવા કાર્યને આગળ ધપાવી રહી છે. અહીં સવારનો નાસ્તો, બપોર અને સાંજનું જમવાનું તેમજ શ્રદ્ધાળુઓ માટે સ્નાન અને આરામની પણ ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. દરરોજ અંદાજે બે હજારથી વધુ યાત્રિકો અહીં મહાપ્રસાદનો લાભ લે છે.

20 નવેમ્બરે ઠાકોરજીની શોભાયાત્રા અને તુલસી વિવાહ

પરિક્રમાના મુખ્ય દિવસે એટલે કે 20 નવેમ્બરના રોજ ભવનાથ ક્ષેત્રમાં વિશેષ ધાર્મિક ઉત્સવ ઉજવાશે. આ દિવસે બપોરે ભવનાથ વિસ્તારમાં ભવ્ય ઠાકોરજીની શોભાયાત્રા અને તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભવનાથ પોલીસ સ્ટેશન પાછળથી શરૂ થતી આ શોભાયાત્રા મહાદેવ મંદિર સુધી જશે, ત્યારબાદ અન્નક્ષેત્રની જગ્યાએ પરંપરાગત રીતે તુલસી વિવાહ સંપન્ન થશે.

યાત્રિકોના આરામ માટે આ વર્ષે વિશેષ રૂપે ગાદલા અને ગોદડાંની પણ પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી થાકેલા પરિક્રમાર્થીઓ શાંતિથી વિશ્રાંતિ લઈ શકે. વહીવટીતંત્ર અને આયોજકો દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે જેથી આ વર્ષે પરિક્રમાર્થીઓ સુચારુ રૂપે દર્શન અને પરિક્રમાનો લાભ લઈ શકે.