Girnar Lili Parikrama 2026: ગરવા ગઢ ગિરનારની ગોદમાં દર વર્ષે કારતક સુદ અગિયારસથી પૂર્ણિમા દરમિયાન યોજાતી લીલી પરિક્રમ માત્ર એક ધાર્મિક યાત્રા નથી. પરંતુ તે પ્રકૃતિ, પૌરાણિક ઈથિહાસ અને માનવીય આસ્થાનો અલૌકિક સંગમ છે. 36 કિમીની દુર્ગમ યાત્રામાં ગાઢ જંગલ, ઊંચા નીચા પહાડો અને ખળખળ વહેતા ઝરણાંઓ વચ્ચે લાખો શ્રધ્ધાળુઓ જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે ભવોભવનું ભાથું બાંધવા ઉમટી પડે છે.
ગિરનારનો જન્મ અને શિવ પાર્વતી સાથેનું જોડાણ
ગિરનાર પર્વતની ઉત્પતિની વાત કરીએ તો, તેની પાછળ એક પૌરાણિક અને રસપ્રદ દંતકથા છુપાયેલી છે. પ્રાચીન દક્ષિણ ભારતીય સાહિત્ય પ્રમાણે, આશરે 30,000 વર્ષ પહેલાં પૃથ્વી પર પર્વતોને પાંખો હતી અને પવનની ગતિ 25,000 કિમી જેટલી પ્રચંડ હતી. સૃષ્ટિના સંતુલન હેતુથી પરમ પિતા બ્રહ્માએ પર્વતોની પાંખો કાપી નાખી. પરંતુ ગિરનાર પર્વત સમુદ્રના પેટાળમાં સંતાઈ ગયો હતો.
ધર્મ શાસ્ત્રોમાં ગિરનારને હિમાલયનો પુત્ર અને માતા પાર્વતીનો ભાઈ માનવામાં આવે છે, જ્યારે હિમાલયમાં ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન યોજાયા ત્યારે બહેનના લગ્નમાં હાજરી આપવા માટે ગિરનાર સમુદ્રમાંથી બહાર આવ્યા અને દરિયા કિનારાથી 50 કિમી દૂર જમીન પર સ્થિ થયાય જોકે, વિશાળ કદને કારણે તેઓ હિમાલય સુધી પહોંચી શક્યા નહી. તેથી તેઓ આગામી ત્રિપુરી પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતી સ્વયં ગિરનાર પર પધાર્યા હતા.
33 કોટિ દેવતાઓએ કરી પ્રથમ પરિક્રમા
ભગવાન શિવજી અને માતા પાર્વતીજીની આગમનની સાથે તેમની સાથે રહેલા ઋષિ-મુનિઓ, નવ ગ્રહો, અષ્ટસિદ્ધિ, નવનિધિ, 52 વીર, નવનાગ, કુબેર ભંડારી, 64 જોગણી સહિત તમામ દેવી દેવતાઓએ 4 દિવસ સુધી ગિરનારના જંગલમાં રોકાઈને ગિરનારની દિવ્ય પરિક્રમા કરી હતી. લોકવાયક પ્રમાણે, આજે પણ કારતક એકાદશીથી પૂર્ણિમા સુધી તમામ દેવતાઓ ગિરનારના જંગલ માર્ગમાં વાસ કરે છે. જેના કારણે ભક્તો આ પાવન દિવસોમાં જ પરિક્રમા કરે છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણી વિવાહનો પ્રસંગ
સ્વયં પરમાત્મા થઈને માનવ રુપ ધારણ કરીને જગતપિતા શ્રીકૃષ્ણે ગિરનારની લીલી પરિક્રમા કરી હોવાનો હિન્દુ ધર્મગ્રંથોમાં ઉલ્લેખ મળે છે. સનાતન ધર્મની માન્યતા પ્રમાણે, શ્રાપ મુક્તિ માટે પ્રભુ શ્રીકૃષ્ણે પોતાના મોટા ભાઈ બલરામ અને પરિવાર સાથે યાત્રા કરી હતી. એવું પણ માનવામાં આવે છે કે, આ પરિક્રમા દરમિયાન જ બોરદેવીથી રામનાથ વચ્ચેના જંગલમાં આવેલા મથુરેશ્વર મહાદેવના સાનિધ્યમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ સંપન્ન થયા હતા.
પરિક્રમાના પાંચ પવિત્ર પડાવ
36 કિમીની આ કઠિન પરંતુ અતિ પાવન અને પવિત્ર યાત્રામાં પાંચ પડાવોનું વિશેષ મહત્વ છે. એવું મનાય છે કે, આ પાંચ પડાવના દર્શન વિના પરિક્રમા અધૂરી ગણાય છે.
- ભવનાથ તળેટી: કારતક સુદ અગિયારસની મધ્યરાત્રિએ ભવનાથ મહાદેવના દર્શન કરી યાત્રિકો પરિક્રમાનો પ્રારંભ કરે છે.
- જીણાબાવાની મઢી: પ્રથમ દિવસનો વિસામો અહીં કરવામાં આવે છે.
- માળવેલા: બીજા દિવસે સરકડીયા હનુમાન અને સુરજકુંડ થઈ યાત્રિકો માળવેલા પહોંચી રાતવાસો કરે છે.
- બોરદેવી: ત્રીજા દિવસે શ્રવણવડ, વાસંતીનાગ અને નળપાણીની જગ્યા થઈને માતા બોરદેવીના મંદિરે રાત્રિ રોકાણ થાય છે.
- પુનઃ ભવનાથ: ચોથા દિવસે દૂધવન અને ખોડીયાર ઘોડી ચઢીને પરિક્રમાર્થીઓ પરત ભવનાથ તળેટી પહોંચી યાત્રા પૂર્ણ કરે છે.
