Girnar Lili Parikrama 2026: ગિરનારની લીલી પરિક્રમામાં આ પવિત્ર સ્થળોનાં દર્શન કરવાનું ભૂલતા નહીં! જાણો સંપૂર્ણ માહિતી

ગિરનારની લીલી પરિક્રમા 2026 દરમિયાન ભવનાથથી બોરદેવી સુધીના 36 કિમીના રૂટમાં ભવનાથ મહાદેવ, જીણાબાવાની મઢી, સરખડિયા હનુમાન, સુરજકુંડ અને બોરદેવી સહિતનાં પવિત્ર સ્થળો વિશે જાણો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 15 Nov 2026 03:24 PM (IST)Updated: Sun, 15 Nov 2026 03:24 PM (IST)
girnar-lili-parikrama-2026-complete-route-temples-religious-places

Girnar Lili Parikrama 2026: ગિરનારની લીલી પરિક્રમા એ માત્ર ધાર્મિક પદ યાત્રા જ નથી. પરંતુ ભક્તિ અને આસ્થાનો અનોખો સુંદર સમન્વય છે. લીલી પરિક્રમા 20 નવેમ્બરના રોજ શુ થશે, જે 24 નવેમ્બર કારતક પૂર્ણિમા સુધી ચાલશે. આ લીલી પરિક્રમામાં પુણ્યનું ભાથું બાંધવા માટે ગુજરાત સહિત બીજા રાજ્યના મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. પાંચ દિવસ સુધી ચાલનારી યાત્રાના માર્ગ પર ઘણા અતિ પવિત્ર અને દર્શનીય સ્થળો આવેલ છે. જ્યાં પરિક્રમા દરમિયાન ભક્તોએ દર્શન કરવા જોઈએ. જાણો આ લેખમાં પરિક્રમા રુટ પર આવતા ધાર્મિક સ્થાનક અને પ્રાચીન મંદિરો વિશે વિસ્તૃત માહિતી.

ભવનાથ તળેટીથી જીણાબાવની મઢી (પહેલો પડાવ)

ભવનાથ મહાદેવ મંદિર

લીલી પરિક્રમાનો પ્રારંભ ગિરનારની તળેટીમાં આવેલા દૂધેશ્વર મહાદેવ અને ભવનાથ મહાદેવના દર્શનથી થાય છે. ભવનાથ મહાદેવ એ જૂનાગઢ જિલ્લામાં સ્થિત ભક્તોમાં ઘણું મોટું આસ્થાનું કેન્દ્ર છે. પરિક્રમાર્થીઓ અહીં ભગવાન ભોલેનાથજીના દર્શન કરીને પૂજન-અર્ચન કરીને પછી જ પરિક્રમાનો આરંભ કરે છે. મંદિર પરિસરમાં સ્થિત મૃગીકુંડ પણ શૈવ પરંપરા અને સાધુ સંતોની મહાન આસ્થાનું મોટું કેન્દર છે.

કાળકાનો વડલો અને ઈટવેશ્વર મહાદેવ

જ્યારે પરિક્રમાર્થીઓ ભવનાથથી આગળ વધે છે ત્યારે જંગલનો દુર્ગમ માર્ગ શરુ થાય છે. ઈટવા ઘોડી ચડતાં ડાબી બાજુ ઇટવેશ્વર મહાદેવનું સ્થાન આવે છે. ઐતિહાસિક અને પુરાત્વીય દ્રષ્ટિકોણથી જોઈએ તો, આ વિસ્તાર ખૂબ જ મહત્વનો છે. કેમ કે, આ સ્થળ પર બૌદ્ધકાલીન વિહારો અને આશ્રમોના પૌરાણિક અવશેષો પ્રાપ્ત થયા છે. ગિરનાર જંગલની વનરાજી વચ્ચે વિરાજમાન ઇટવેશ્વર મહાદેવના દર્શન કરીને ભક્તો આગળ વધે છે.

વડલાવાળી મહાકાળી માતા અને સંત શ્રી જીણાબાવાની મઢી

ઈટવાની ઘોડી ઉતરતાની સાથે ચાર ચોક થઈને પરિક્રમાનો પહેલો વિસામો આવે છે. જીણાબાવાની મઢી. લોકવાયકા પ્રમાણે, શ્રી જીણાબાવાએ આ સ્થળ પર રહીને આકરી તપસ્યા કરી હતી. એક પ્રચલિત દંતકથા પ્રમાણે, સંતોની ભરી સભામાં સૂક્ષ્મ રુપ ધારણ કરી ખાલી ચલમની આરપાર નીકળી પોતાનો ચમત્કાર બતાવ્યો હતો. તેઓ પરિક્રમાર્થીઓનો ખૂબ જ આદર સત્કાર કરતાં, જે પરંપરા આજે પણ યથાવત્ત છે. અહીં અન્ન શ્રેત્રો અને સેવાકેન્દ્રો આવેલા છે. મઢીની બાજુમાં વડલાવાળી મહાકાળી માતાજીનું પાવન અને અતિ પવિત્ર સ્થાનક છે.

જીણાબાવાની મઢીથી માળવેલા (બીજો પડાવ)

સરખડિયા હનુમાનજી મંદિર

લીલી પરિક્રમાનો બીજો પડાવ જીણાબાવાની મઢીથી આગળ વધીને માળવેલા આવે છે. જીણાબાવાની મઢીથી આગળ પરિક્રમાના બે માર્ગ પડે છે. એક માર્ગ સરકડિયા પર્વતની ઘોડીથી આગળ વધતાં સરખડિયા હનુમાન દાદાના મંદિરે જાય છે. ગિરનારના ગાઢ અને શાંત જંગલની વચ્ચોવચ્ચ વિરાજમાન શ્રી હનુમાનજી દાદાનું આ પ્રાચીન સ્થાનક અનેક પરચાઓ અને લોકવાયકાઓ સાથે જોડાયેલ છે. બીજા પડાવમાં પરિક્રમાર્થીઓ કપરા ચડાણ બાદ દાદાના દર્શન કરે તો તેમનામાં ઊર્જાનો સંચાર થાય છે.

મહાભારતકાલીન સુરજકુંડ

જ્યારે પરિક્રમાર્થીઓ સરખડિયા હનુમાનદાદાના દર્શન કરીને પથ પર આગળ વધે છે. ત્યારે આગળ વધતાં સૂરજકુંડ આવે છે. આ કુંડની તળેટીમાં રામગંગા નદી વહે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે, આ પવિત્ર સ્થળ પર જમદગ્નિ ઋષિના પુત્ર ભગવાન પરશુરામનો આશ્રમ સ્થિત હતો અને સૂર્યપુત્ર કર્ણ અહીં ભગવાન પરશુરામ પાસે શસ્ત્રવિદ્યા શીખવા માટે આવ્યા હતા. કર્ણના પિતા સૂર્યદેવના નામ પરથી આ કુંડ સૂરજકુંડ તરીકે પ્રખ્યાત થયો હતો. પરિક્રમાર્થીઓ અહીં દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે.

માળવેલાનું શિવ મંદિર

સૂરજકુંડમાં સ્નાન કર્યા બાદ યાત્રિકો પરિક્રમાના બીજા મુખ્ય પડાવ એવા માળવેલા ખાતે આવી પહોંચે છે. અહીં ભગવાન શિવનું પ્રાચીન મંદિર અને અન્ય ધાર્મિક સ્થાનકો આવેલાં છે. શ્રદ્ધાળુઓ અહીં શિવજીના દર્શન કરી બીજી રાત્રિનું રોકાણ કરે છે. જ્યાં તેઓ પોતાનો થાક ઉતારીને પોરો ખાય છે.

માળવેલાથી બોરદેવી મંદિર (ત્રીજો પડાવ)

વસંતીનાગ, શ્રવણવડ અને નાગદેવતાનું મંદિર

શ્રદ્ધાળુઓ જય જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે માળવેલાથી નળપાણી ઘોડી પાર કરે છે. જેથી લોકઆસ્થાના પ્રતીક એવા ઘણા ધાર્મિક અને દર્શનીય સ્થળો આવે છે. આ માર્ગ પર પરિક્રમાર્થીઓ શ્રવણવડ, નાગદેવતાનું સ્થાન, અને વસંતીનાગ આવે છે. ગિરનારના લીલી પરિક્રમામાં પ્રકૃતિના તત્વો ગણી શકાય એવા જળ અન વૃક્ષોનું પણ વિશેષ મહત્વ છે. આ સ્થાન પર શ્રદ્ધાળુઓ ભક્તિભાવથી માથુ ટેકવીને પ્રાર્થના કરે છે .

બોરદેવી માતાનું મંદિર

ત્રીજા પડાવના અંતે પરિક્રમાર્થીઓ લીલી પરિક્રમાના સૌથી મહત્વના ગણાતા શક્તિસ્થાન બોરદેવી આવે છે. લાંબી અને કઠિન યાત્રા બાદ પણ શ્રદ્ધાળુઓ માતાના સ્થાનકે પહોંચે છે જંગલની લીલી વનરાજી વ્ચે આવેલું માતા બોરદેવીનું મંદિર ભક્તોની અતૂટ આસ્થાનું મોટું મહિમાભર્યુ સ્થાનક છે. લીલી પરિક્રમાની કપરી યાત્રા બાદ શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરીને અંતિમ રાત્રિ રોકાણ કરે છે. બોરદેવી માતાજી મંદિરની આજુબાજુ તાતણિયો ઘૂણો અને કાળાઘૂણો આવેલ છે. જ્યાં દર્શનાર્થીઓ મર્યાદા અને પવિત્રતા જાળવીને દર્શન કરે છે.

બોરદેવીથી ભવનાથની તળેટી (ચોથો અને છેલ્લો પડાવ)

ખોડિયાર ઘોડી અને દૂધવન વિસ્તાર

પરિક્રમાના અંતિમ તબક્કે શ્રદ્ધાળુઓ બોરદેવીથી પાછા ફરીને દૂધવન અને ખોડિયાર ઘોડીના પર્વતીય માર્ગ તરફ આવે છે. આ સ્થળ પર આઈ શ્રી ખોડિયાર માતાનું સ્થાનક આવેલું છે. અહીં દર્શનાર્થીઓ માતાના ભક્તિભાવ અને આસ્થાપૂર્વક દર્શન કરીને અંતિમ તબક્કો પાર પાડવાની હિમત મેળવે છે. 36 કિલોમીટરની આકરી અને પવિત્ર યાત્રા પૂર્ણ કરીને શ્રદ્ધાળુઓ ફરી ભવનાથ તળેટી પહોંચે છે. જ્યાંથી યાત્રા શરૂ કરી હતી, તે જ દૂધેશ્વર મહાદેવ અને ભવનાથ મહાદેવના દર્શન કરીને લીલી પરિક્રમા પૂર્ણ કરે છે.