Girnar Lili Parikrama 2026: ગરવા ગિરનારની લીલી પરિક્રમા તા.20-11-2026ની મધ્યરાત્રીથી પ્રારંભ થવા જઈ રહ્યો છે.આ લીલી પરિક્રમમાં ભકિતનું ભાથુ બાંધવા લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ગિરનાર ફરતે ૩૬ કી. મી. ની આ પરિક્રમાનું આગવુ ધાર્મિક મહત્વ છે. ત્યારે ભકિતનું ભાથુ બાંધવા આવતા શ્રધ્ધાળુઓને જૂનાગઢ વન વિભાગ દ્વારા પર્યાવરણની જાળવણી સહિત કેટલીક બાબતોએ સહયોગ આપવા અપીલ કરી છે.
વન વિભાગે જાહેર કર્યો લીલી પરિક્રમાનો રુટ
પરિક્રમામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ જોડાશે, જેથી જંગલ, વન્યપ્રાણી અને પર્યાવરણના હિતની જાળવણી તથા નિયમન કરવાનું જરૂરી હોય જૂનાગઢ વન વિભાગના નાયબ વન સંરક્ષકએ પરિક્રમાર્થીઓને ખાસ અનુરોધ કર્યો છે. જે મુજબ, ગિરનાર અનામત જંગલ વિસ્તારમાં આવેલા પરિક્રમાના રસ્તા તથા કેડીઓ ભવનાથથી રૂપાયતનનો રસ્તો, રૂપાયતનથી ઈંટવા સુધીનો રસ્તો, ઈટવાથી ચાર ચોક થઇ ઝીણાબાવાની મઢી સુધીનો રસ્તો, જાંબુડી થાણાથી ચાર ચોક સુધીનો રસ્તો, ઝીણાબાવાની મઢીથી માળવેલા સુધીની કેડી, ઝીણાબાવાની મઢીથી સરકડીયા હનુમાન સુધીની કેડી
માલીડાથી પાટવડ કોઠા થઇ સુરજકુંડ સુધીનો રસ્તો, સુરજકુંડથી સરકડીયા સુધીનો રસ્તો, સુરજકુંડ થી સુખનાળા સુધીનો રસ્તો, સુખનાળાથી માળવેલા સુધીની કેડી, માળવેલાથી નળપાણીની ઘોડી સુધીની કેડી, નળપાણી ઘોડીથી નળપાણીની જગ્યા સુધીનો રસ્તો, નળપાણીની જગ્યાથી બોરદેવી ત્રણ રસ્તા સુધીનો રસ્તો, ત્રણ રસ્તા થી બોરદેવી સુધીનો રસ્તો, બોરદેવી થી ભવનાથ સુધીનો રસ્તો વન વિભાગ ધ્વારા રસ્તાઓ નિયત કરાયેલા છે. જેનો ઉપયોગ કરવા પરિક્રમાર્થીઓને જણાવવામાં આવે છે.
અન્નક્ષેત્રો માટે વનવિભાગની ગાઈડલાઈન
આ ખાતા તરફથી પરિક્રમાના સમય દરમિયાન સેવામાં આવેલ સેવાભાવી સંસ્થાઓ જેવી કે અન્નક્ષેત્ર, પાણીના પરબ વગેરેને નિયત શરતોને આધીન મંજૂરી આપવામાં આવશે. તે જ સંસ્થાઓ જંગલ વિસ્તારમાં રાઉટી નાંખી શકશે. અન્નક્ષેત્રોમાં લાકડાને બદલે જે ગેસનો ઉપયોગ કરશે તેવા ક્ષેત્રોને જ મંજૂરી આપવામાં આવશે. અને તેમના માટે જ વાહનની મંજૂરી આપવામાં આવશે. તે વાહનોને સામાન ઉતાર્યા બાદ જંગલ ભાગમાંથી બહાર નીકળી જવાનું રહેશે.
પરિક્રમા પૂર્ણ થયા બાદ રાવટી /અન્નક્ષેત્ર ખોલનાર સંસ્થાએ તેમની સેવાકીય પ્રવૃત્તિઓ થકી કચરો ઉત્પન્ન થયો હોય તે તમામની સફાઈ કરી કચરો ગિરનાર અભયારણ્ય માંથી બહાર લઈ જવાનો રહેશે. અન્નક્ષેત્ર/ ઉતારાની સેવા આપતી સંસ્થાઓને ફક્ત માલસામાન વાહતુક કરવા પરમિટ આપવામાં આવશે. વાહન સાથે ફક્ત સંસ્થાના ફોટો આઈડેન્ટિટી કાર્ડ ધરાવતા સ્વયંક સેવકોને જ પ્રવેશ આપવામાં આવશે.
વ્યવસાયિક ધંધાના કે જાહેરાતના હેતુ માટે છાવણી કે તંબુ, રેકડી, સ્ટોલ રાખવાની સખત મનાઈ છે. ઘોંઘાટ સાથે થતા અધાર્મિક નાચ ગાનની પ્રવૃત્તિ ની સંપૂર્ણ મનાઈ છે. પરિક્રમામાં સ્ફોટક પદાર્થ, ફટાકડા તથા ઘોંઘાટ થાય તેવા રેડિયો,સ્પીકરો વગેરે સાથે લઈ જવાની મનાઈ છે.
કઈ જગ્યાએ રાત્રિરોકાણ કરવું નહી?
ગિરનાર અભયારણ્ય વિસ્તાર સિંહ, દિપડા, જેવા વન્ય પ્રાણીઓનો વિસ્તાર હોય જેથી પરિક્રમા રુટ સિવાય અન્ય ગિરનાર અભયારણ્યના ભાગમાં પ્રવાસ કરવો નહીં તેમજ ગિરનાર પરિક્રમા ના નિયત પડાવ ભવનાથ, જીણાબાવાની મઢી, સુરજ કુંડની જગ્યા, સરકડીયા હનુમાનની જગ્યા, માળવેલા, બોરદેવી સિવાય અન્ય જગ્યાએ રાત્રી રોકાણ કરવું નહીં. ઉપરોક્ત જાહેર સુચના ભંગ કે ઉલ્લંઘન કરવા સામે વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમ 1972 ની વિવિધ કલમો ની જોગવાઈ અંતર્ગત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
