ગિરનાર લીલી પરિક્રમાને લઈને મોટા સમાચાર, રૂટનું નિરીક્ષણ કરી તંત્રએ જાહેર કરી માર્ગદર્શિકા

જૂનાગઢમાં યોજાનારી સુપ્રસિદ્ધ 'ગિરનાર લીલી પરિક્રમાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અધિકારીઓએ પરિક્રમાના માર્ગનું નિરીક્ષણ કર્યું છે અને ત્યાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે ચર્ચા કરી છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 06 Nov 2026 12:43 PM (IST)Updated: Fri, 06 Nov 2026 12:43 PM (IST)
girnar-lili-parikrama-2026-officials-inspect-route-important-guidelines-issued-for-devotees

Girnar Lili Parikrama 2026 Route: જૂનાગઢમાં ગિરનારની પ્રખ્યાત અને પવિત્ર લીલી પરિક્રમા માટેની તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. તૈયારીઓનો તાગ મેળવવા માટે શુક્રવારે સવારે સરકારી અધિકારીઓ, પદાધિકારીઓ અને સાધુ સંતો દ્વારા લીલી પરિક્રમા રુટનું વિસ્તૃત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નિરીક્ષણ દરમિયાન પરિક્રમામાં આવતા લાખો ભક્તો માટે પીવાનું પાણી, આરોગ્ય સેવાઓ, સેવાભાવી સંસ્થાઓના અન્નક્ષેત્રો લાઇટિંગ જેવી જરૂરી સુવિધાઓ અંગે ગંભીર પરામર્શ કરવામાં આવ્યો હતો.

લીલી પરિક્રમાને લઈને કલેક્ટરના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે ઓછા વરસાદને કારણે કુદરતી નદી-નાળાઓમાં પાણીની અછત છે. કલેક્ટરે જણાવ્યું કે, વહીવટી તંત્ર દ્વારા પરિક્રમામાં આવનારા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી બોરવેલ મારફતે પાણીની ઉપલબ્ધતા વધારવા ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

પ્લાસ્ટિક પર રહેશે સંપૂર્ણ પ્રતિબંધ 

લીલી પરિક્રમાને લઈને ઈન્દ્રભારતી બાપુએ મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, વન વિભાગ અને હાઇકોર્ટના હુકમ અનુસાર, પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક લાવવા પર સખત પ્રતિબંધ રહેશે. ભાવિકોને પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરવા અને પ્લાસ્ટિક ન લાવવા ખાસ અપીલ છે. આ ઉપરાંત પાણીની અગવડ અને મુશ્કેલ માર્ગને લઈને ઈન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે, આ વર્ષે પાણીની અછત છે અને મુશ્કેલ માર્ગ હોવાને લીધે નાના બાળકો અને વડીલો ન આવે તે ખાસ અનુરોધ છે.

ભક્તોને અસુવિધા ન થાય તેની તકેદારી

ઈન્દ્રભારતી બાપુના જણાવ્યા પ્રમાણે, વરસાદના અભાવે જંગલમાં પાંદડા સૂકાઈ ગયા છે. આથી સાધુ-સંતોના ધૂણા અને ઉતારા મંડળો ખાતે આગથી રક્ષણ મેળવવા માટે ખાસ સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા હાલ કરવામાં આવેલી સુવિધાઓ અંગે સાધુ-સંતોએ સંતોષ વ્યક્ત કર્યો છે અને ભક્તોને કોઈ હેરાનગતિ ન થાય તે માટે સતત મીટિંગો દ્વારા વ્યવસ્થા સુધારી રહી છે.