Girnar Lili Parikrama 2026: ગરવા ગિરનારની ગોદમાં આગામી કાર્તિકી પૂર્ણિમા એટલે 20 નવેમ્બર 2026 થી લીલી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. લીલી પરિક્રમાના 36 કિલોમીટર લાંબા રૂટ પર સફાઈ અને સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પરિક્રમાર્થીઓની સુરક્ષા અને સુવિધાઓ માટે તૈયારી અને વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવી છે.
ગત વર્ષે પરિક્રમા બંધ રહી હોવાના કારણે આ વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી સંભાવના સેવાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને વિવિધ વહીવટી વિભાગોના અધિકારીઓએ ભવનાથથી લઈને પરિક્રમાના મુખ્ય પ્રવેશદ્વાર ઈટવા ગેટ સુધીના માર્ગનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી અને 25 દિવસ અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો
લીલી પરિક્રમા 2026 માટે વહીવટી આયોજન
- માર્ગોનું સમારકામ અને સુવિધા: 36 કિલોમીટરના જંગલ માર્ગ પર રસ્તાઓનું સમારકામ, સફાઈ, પર્યાપ્ત લાઈટિંગ અને આરોગ્ય સેવાઓ સહિતની જરૂરી તમામ પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે સંબંધિત વિભાગોને કામે લગાડવામાં આવ્યા છે.
- મોબાઈલ નેટવર્ક સુવિધા: પરિક્રમા રૂટ પર આવતા શ્રદ્ધાળુઓની સરળતા અને સંપર્ક સુવિધા માટે મોબાઈલ નેટવર્ક કવરેજ અને ટાવરની ફ્રિક્વન્સી વધારવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
- વન્યજીવ સંરક્ષણ અને સુરક્ષા: 36 કિલોમીટરના ગાઢ જંગલ માર્ગમાં સિંહ સહિતના હિંસક વન્યજીવોની અવરજવર સતત રહેતી હોય છે. આથી યાત્રિકોની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણને પ્રાથમિકતા આપી વન વિભાગ દ્વારા પૂરતા પ્રમાણમાં સ્ટાફ અને ટ્રેકર્સ તૈનાત કરવામાં આવશે.
- શ્રદ્ધાળુઓ માટે ખાસ અપીલ: લાખોની ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા તમામ યાત્રિકો, વરિષ્ઠ નાગરિકો અને બાળકો સાથે આવતા વાલીઓને માત્ર નિર્ધારિત પરિક્રમા માર્ગ પર જ ચાલવા અને જંગલના અંદરના પ્રતિબંધિત વિસ્તારોમાં ન જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે, જેથી આખી પરિક્રમા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થઈ શકે.
પાણી માટે 30થી વધુ બોર બનાવવાનું આયોજન
આ વર્ષે ગિરનાર જંગલ વિસ્તારમાં ઓછા વરસાદના કારણે કુદરતી પાણીના સ્ત્રોતમાં ઘટાડો થયો છે અને અમુક ઊંચાઈવાળા વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાવાની શક્યતા છે. આથી તંત્ર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અગાઉ દર વર્ષે આ માર્ગ પર અંદાજે 19 બોર કરવામાં આવતા, પરંતુ આ વર્ષે પરિસ્થિતિને પહોંચી વળવા વધુ 12 નવા બોર બનાવી એકંદરે 30 થી 32 જેટલા પાણીના સ્ત્રોતો ઊભા કરવાનો નિર્ણય લેવાયો છે. પાણીના આ સ્ત્રોતો તૈયાર કરવાની કામગીરી 15 નવેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે.
