Girnar Lili Parikrama 2026 News: ગિરનાર લીલી પરિક્રમા આસ્થાની સાથે પ્રકૃતિના સાનિધ્યમાં જીવનની સાદગી અને આનંદ માણવાનો પણ અનોખો અવસર બની રહે છે. ગિરનારના જંગલની હરિયાળી વચ્ચે ભક્તિભાવ સાથે પરિક્રમા કરી રહેલા ભાવિકો અહીંના કુદરતી વાતાવરણમાં ભોજનનો સ્વાદ પણ માણે છે. અનેક ભાવિકો પોતાની સાથે રસોઈનો સામાન લઈને આવે છે અને ગિરનારની ગોદમાં દેશી ભોજન તૈયાર કરી તેનો સ્વાદ માણે છે. ખાસ કરીને ચૂલો માંડીને બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો જેવા પરંપરાગત દેશી ભોજનની મોજ પરિક્રમાના આનંદમાં વિશેષ રંગ ઉમેરે છે.
પરિક્રમાર્થીએ ભોજન માણવાનો અનુભવ અનોખો ગણાવ્યો
આ પણ વાંચો
અમદાવાદથી પ્રથમ વખત ગિરનાર લીલી પરિક્રમામાં આવેલાં રતનબેને પ્રકૃતિના ખોળે રહેવા અને જાતે ભોજન બનાવીને જમવાના અનુભવને અવિસ્મરણીય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, તેઓ એક પરિચિત બહેન સાથે અહીં આવ્યાં છે અને પ્રથમ વખત પરિક્રમામાં ભાગ લઈ રહ્યાં છે. અહીંની વ્યવસ્થાઓ અને સુવિધાઓ ખૂબ સારી છે. પ્રકૃતિના ખોળે એક દિવસ રોકાઈને જાતે રસોઈ બનાવવી અને સાથે બેસીને ભોજન માણવું એ ખરેખર આનંદદાયક અનુભવ છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જંગલના કુદરતી વાતાવરણમાં રહેવાનો એક અલગ જ આનંદ છે. ગિરનારની ગોદમાં આવીને જાતે રસોઈ બનાવવી, ભોજન કરવું અને કુદરતની નજીક રહેવું એ અનુભવ જ કંઈક અલગ છે. આમ, ગિરનાર લીલી પરિક્રમા ભાવિકો માટે શ્રદ્ધા સાથે પ્રકૃતિપ્રેમ, દેશી ભોજનની મીઠાશ અને સહિયારા આનંદની યાદગાર અનુભૂતિ બની રહી છે.
નડિયાદના શ્રદ્ધાળુએ પરિક્રમાની સુંદર વ્યવસ્થાને બિરદાવી, વહીવટીતંત્રનો માન્યો આભાર
છેલ્લા પાંચ વર્ષથી નિયમિતપણે આ પરિક્રમામાં નડિયાદ થી આવતા શ્રદ્ધાળુ અંકિતા શર્માએ આ વર્ષે કરવામાં આવેલી સુંદર વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, સમગ્ર પરિક્રમા રૂટ પર પીવાના પાણીની અત્યંત સુચારુ વ્યવસ્થા હોવાથી યાત્રાળુઓને કોઈ પણ પ્રકારની હાલાકી પડી નથી. આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે, તેમ છતાં પોલીસ,વન વિભાગના સતત સહયોગ અને સુરક્ષા વ્યવસ્થાને કારણે પરિક્રમા શાંતિપૂર્ણ અને સરળતાથી પૂર્ણ થઈ રહી છે. તેમણે યાત્રાળુઓની સુવિધા માટે ઉત્તમ વ્યવસ્થા કરવા બદલ વહીવટીતંત્રનો આભાર માન્યો હતો.

33 વર્ષથી પરિક્રમા કરતા કોડીનારના શ્રદ્ધાળુએ તંત્ર અને અન્નક્ષેત્રોની સેવાને બિરદાવી
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના વતની જીણાભાઈ વાડ છેલ્લા 33 વર્ષથી નિયમિતપણે આ પરિક્રમામાં આવે છે. તેમણે આ વર્ષે સરકાર, વન વિભાગ, તબીબો તેમજ વિવિધ અન્નક્ષેત્રો તરફથી મળી રહેલા ઉત્તમ સહયોગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે યાત્રાળુઓને અહીં કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. તેઓ ઘરેથી જ સામાન સાથે લાવીને જાતે જમે છે અને અન્ય શ્રદ્ધાળુઓને પણ પ્રેમપૂર્વક જમાડીને સેવા કરતા અપાર આનંદ અનુભવે છે.
પરિક્રમા દરમિયાન આકસ્મિક સારવારથી લઈને પાણી સુધીની પૂરતી વ્યવસ્થા – નિખિલભાઈ સોલંકી
છેલ્લા 10 વર્ષથી નિયમિતપણે આ પવિત્ર પરિક્રમા કરી રહેલા પોરબંદરના વતની નિખિલભાઈ દિલીપભાઈ સોલંકીએ પોતાના અનુભવ જણાવતા તંત્રની વ્યવસ્થાની પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ઓછો હોવા છતાં યાત્રાળુઓ માટે પીવાના પાણીની તમામ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં પૂરી પાડવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસની યાત્રા દરમિયાન ભોજન અને પાણીની ઉત્તમ વ્યવસ્થા જોવા મળી છે. આ ઉપરાંત, કોઈ પણ શ્રદ્ધાળુને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ ઊભી થાય તો તાત્કાલિક દવાઓ અને મેડિકલ સારવાર મળી રહે છે, તેમજ આગ લાગવા જેવી કોઈ આકસ્મિક ઘટના બને તો તે માટે પણ ત્વરિત સારવાર અને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

પરિક્રમાર્થી પાસેથી પ્લાસ્ટિકની બેગ લઈ ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ
ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિકના કારણે વન્યજીવો અને કુદરતી સંપદાને નુકસાન ન થાય તે માટે જૂનાગઢ વન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પરિક્રમાર્થીઓની સાથે પ્લાસ્ટિકની વસ્તુઓ જંગલ વિસ્તારમાં પ્રવેશે નહીં તે માટે 13 ટીમો કાર્યરત કરવામાં આવી છે. પરિક્રમાના જુદા જુદા પ્રવેશદ્વારો અને પરિક્રમા માર્ગ પર વન વિભાગના કર્મચારીઓ દ્વારા અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. પ્લાસ્ટિકની થેલીઓના સ્થાને ભાવિકોને ઇકો ફ્રેન્ડલી બેગ તેમજ ખાદ્યસામગ્રી માટે પેપર બેગનું વિતરણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.
જૂનાગઢ વન વિભાગના મદદનીશ વન સંરક્ષક મનીષ ઓડેદરાએ જણાવ્યું હતું કે, ગિરનાર લીલી પરિક્રમા-૨૦૨૬ દરમિયાન પ્લાસ્ટિક જંગલ વિસ્તારમાં પ્રવેશે નહીં તે માટે વન વિભાગ દ્વારા 13 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમો પરિક્રમાર્થીઓના બેગ અને સામાનની સતત તપાસ કરી રહી છે. ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓ અલગ કરવામાં આવે છે અને તેના સ્થાને ભાવિકોને ઇકો ફ્રેન્ડલી બેગ આપવામાં આવે છે, જેથી તેઓ પોતાની ખાવા-પીવાની, પહેરવાની કે અન્ય ઉપયોગી વસ્તુઓ તેમાં રાખી શકે. ખાદ્યસામગ્રી માટે ખાસ પેપર બેગનું પણ વિતરણ કરવામાં આવે છે.

આ કામગીરી માટે ઈટવા ગેટ, જાંબુડી નાકા, રામનાથ સહિતના પ્રવેશ સ્થળોએ સઘન ચેકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત સરકડીયા હનુમાનજી સહિતના સ્થળો અને પરિક્રમા માર્ગ પર પણ પ્લાસ્ટિક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ઈટવા ઘોડી અને ચાર રસ્તા જેવા માર્ગ પરના સ્થળોએ પણ વન વિભાગની ટીમો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. પ્રતિબંધિત પ્લાસ્ટિકના અભયારણ્ય વિસ્તારમાં જતું અટકાવવા ગિરનાર નવી તથા જૂની સીડી અને દાતાર ખાતે પણ ફ્રિસકિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
