Girnar Lili Parikrama 2026: જૂનાગઢ ખાતે યોજાનારી પવિત્ર ગિરનાર લીલી પરિક્રમા 2026 દરમિયાન લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા, સુગમ અવરજવર અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વહીવટી તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આગામી 19 થી 24 નવેમ્બર, 2026 સુધી ભવનાથ તરફ જતા મુખ્ય માર્ગો પર ખાનગી વાહનોની પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે અને શહેરથી ભવનાથ આવવા-જવા માટેના રસ્તાઓને 'વન-વે' (એક માર્ગીય) જાહેર કરવામાં આવ્યા છે.
કયા રુટ પર રહેશે નો પાર્કિંગ
લોકોની આવક વધુ થાય ત્યારે જાહેર સલામતીના હેતુસર પરિસ્થિતિનું મૂલ્યાંકન કરીને તમામ પ્રકારના વાહનોની અવરજવર પર પોલીસ તંત્ર પ્રતિબંધિત કરી શકશે. આ ઉપરાંત કાળવા થી દાતાર રોડ,કામદાર સોસાયટી થી ગિરનાર દરવાજા, ભરડાવાવ થી ધારાગઢ દરવાજા થી મજેવડી દરવાજા સુધી રોડ ઉપર નો પાર્કિંગ, મોર્ડન ચોક થી જવાહર રોડ,સ્વામી મંદિર,સેજની ટાંકી,ગિરનાર રોડ,ગિરનાર દરવાજા સુધી રોડ ઉપર નો પાર્કિંગ જાહેર કરવામાં આવેલ છે.
આ માર્ગોને વન વે જાહેર કરાયા
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને એક માર્ગીય રસ્તા જાહેર કર્યા છે, તેમાં જૂનાગઢ શહેરમાંથી ભવનાથ જવા માટે, ભરડાવાવથી સ્મશાન સુધી અને વડલી ચોક થી ભવનાથ મંદિર, મૃગીકુંડ તળાવની પાળ સુધી અને ભવનાથથી જૂનાગઢ શહેર તરફ આવવા માટે, મંગલનાથની જગ્યાએથી વડલી ચોક સુધી અને સ્મશાનથી ગિરનાર દરવાજા સુધીના એક માર્ગીય રસ્તો રહેશે. આ જાહેરનામું તા.19/11/2026 થી તા. 24/11/2026 સુધી કોઈપણ પ્રકારના વાહનોની (સરકારી વાહનો અને ફરજ ઉપરના અધિકારીઓના વાહનો સિવાય) ભવનાથ તળેટીથી આગળ પરિક્રમાના રસ્તાઓ ઉપર અવરજવર કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વાહનો માટે ખાસ જોગવાઈ
એમબ્યુલન્સ,ફાયર ફાઈટર જેવા અનિવાર્ય વાહનો તેમજ ગિરનાર પરિક્રમાની કામગીરી સાથે સંકળાયેલા સરકારના સંબંધિત ખાતા તથા પોલીસ ખાતા દ્વારા મંજૂરી આપવામાં આવી હોય તેવા પાસવાળા વાહનોને આ જોગવાઈ લાગુ પડશે નહીં. ભવનાથ વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરતાં સ્થાનિક રહેવાસીઓને આ જોગવાઈ પણ લાગુ પડશે નહીં. પરંતુ તેઓએ ફરજ પરના પોલીસ- ટ્રાફિક અધિકારીની સુચના અનુસાર અવરજવર કરવાની રહેશે.
