Girnar Lili Parikrama 2026: જૂનાગઢ ખાતે આગામી તા. 20/11/2026 થી તા. 24/11/2026 દરમિયાન યોજાનાર પરંપરાગત પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પગપાળા જોડાનાર છે. યાત્રાળુઓના આરોગ્યની સુરક્ષા માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા પરિક્રમાના મુખ્ય પડાવો જેવા કે જીણા બાવાની મઢી, સરકડીયા, માળવેલા, બોરદેવી, ભવનાથ વિસ્તાર તેમજ માળવેલા ઘોડી અને નળપાણીની ઘોડી ખાતે સરકારી દવાખાનાઓ કાર્યરત કરવામાં આવશે.
લીલી પરિક્રમા કરનારા યાત્રાળુઓને અપીલ
યાત્રા દરમિયાન કોઈ બીમારીનો ભોગ ન બને તે માટે શ્રદ્ધાળુઓને આરોગ્યપ્રદ તકેદારી રાખવા જણાવાયું છે. ખાસ કરીને, ખુલ્લામાં વેચાતા આરોગ્યને હાનિકારક ફરસાણ, વાસી કે પડતર ફળો અને બિનઆરોગ્યપ્રદ ખાણી-પીણીની ચીજવસ્તુઓનું સેવન ટાળવું. આ ઉપરાંત, નદી-નાળા કે અન્ય અશુદ્ધ પાણી પીવાને બદલે માત્ર ક્લોરીનેશન કરેલું શુદ્ધ પાણી જ પીવાના ઉપયોગમાં લેવા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
વયોવૃદ્ધ લોકોને પરિક્રમાથી દૂર રહેવું
વધુમાં, પરિક્રમાના રસ્તાઓ અત્યંત કઠિન ચઢાણવાળા અને વધુ શારીરિક શ્રમ માંગી લે તેવા હોવાથી, ભૂતકાળમાં વયોવૃદ્ધ અને હૃદયરોગની તકલીફ ધરાવતા યાત્રાળુઓને ઘોડીના રસ્તાઓ પર ગંભીર તકલીફો પડવાના તથા મૃત્યુના બનાવો બનવા પામ્યા છે. આ બાબતને ધ્યાને લઈ, વયોવૃદ્ધ વ્યક્તિઓ અને હૃદયની બીમારી ધરાવતા નાગરિકોને ગિરનાર પરિક્રમા ન કરવા માટે નમ્ર અપીલ કરવામાં આવે છે. કોઈ પણ આકસ્મિક સંજોગો કે તબીબી જરૂરિયાત ઊભી થાય તો તાત્કાલિક રૂટ પર ઊભા કરાયેલા નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મનોજ સુતરીયા (જિલ્લા પંચાયત, જૂનાગઢ) દ્વારા જણાવાયું છે.
