Girnar Lili Parikrama 2026: સૌરાષ્ટ્રની શાન સમા ગિરનારની દર વર્ષે લીલી પરિક્રમા યોજાય છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે ઉમટી પડતા હોય છે ગિરનારના ગાઢ અને પહાડી વિસ્તારમાં દુર્ગમ રસ્તાઓ અને ઘોડીઓ પાર કરીને શ્રદ્ધાળુઓ જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે યાત્રા પૂરી કરે છે. લીલી પરિક્રમા દરમિયાન યાત્રિકોએ હળવો સામાન લઈ જવો જોઈએ. યાત્રા આરામદાયક બને અને ઠંડીની સીઝન આવતી હોવાથી ગરમ કપડાં સાથે રાખવા અનિવાર્ય છે. આ માટે કઈ વસ્તુઓ સાથે રાખવી જોઈએ તેની આ લેખમાં વિગતે માહિતી આપવામાં આવી છે.
ફર્સ્ટ એડ કિટ: કટોકટીમાં બનશે મદદરુપ
- દુખાવાની દવા અને સ્પ્રે: પરિક્રમા દરમિયાન ચતત ચાલવાથી પગમાં દુખાવો ઉપડી શકે છે. આથી રાહત મેળવવા માટે પેઈન રિલીફ સ્પ્રે, તાવ, માથાનો દુખાવો જેવી સામાન્ય મેડિસિન સાથે રાખવી.
- પાટાપીંડીની સામગ્રી: ઘોડીઓ પાર કરતી વેળાએ ઘણીવાર પગ પર ઈજાઓ થઈ શકે તે માટે પ્રાથમિક સારવાર હેતુથી બેન્ડ એઇડ,રુ, એન્ટિસેપ્ટિક ક્રીમ અને બેન્ડેજ અવશ્ય સાથે રાખવા
- મોઈશ્ચરાઈઝર: સૂકી કે ઠંડી હવામાં ત્વચા અને હોઠ ફાટી જાય છે આથી બોડી લોશન, વેસેલિન અને લિપ બામ રાખવું
કપડાં અને ફૂટવેર: આરામ અને ઠંડીથી રક્ષણ જરુરી
- ગરમ કપડાં સાથે રાખવા: જંગલ વિસ્તારમાં રાત્રે અને વહેલી સવારે તાપમાન નીચુ જતું રહેતું હોવાથી સ્વેટર, મફલર અને ગરમ ટોપી સાથે રાખવાં.
- આરામદાયક કપડાં: ચાલવામાં સરળતાં રહે તેવા હળવા સુતરાઉ કપડાં અને મોજાની એક જોડી બેગમાં રાખવી.
- મજબૂત સ્પોર્ટ્સ શૂઝ: 36 કિમીના પથરાળ અને ચઢાણ અને ઉતરાણવાળા માર્ગ પર ચાલવા માટે સારી ગ્રિપ ધરાવતા આરામદાયક શૂઝ પહેરવાં. નવા શૂઝ પહેરવાનું ટાળવું. જેથી પગમાં કોઈ ફોલ્લા ન પડે.
- પાથરણું કે શાલ: જંગલમાં વિસામો કે રાત્રિ રોકાણ દરમિયાન જમીન પર પથારી કરવા અને ઓઢવા માટે હળવી ચાદર અને શાલ સાથે રાખવી.
ખાવા પીવાની વસ્તુઓ અને ઉપયોગી સામાન
- લાકડી અને કાપડની થેલી: ચઢાણ-ઉતરાણ વખતે ઘૂંટણ પર ભાર ઓછો કરવા માટે લાકડી ખૂબ ઉપયોગી થાય છે. આ ઉપરાંત કચરો કે અન્ય સામાન મૂકવા માટે કાપડની થેલી રાખવી.
- સ્ટીલ કે તાંબાની બોટલ: પરિક્રમા રુટ પર પ્લાસ્ટિકનો સંપૂર્ણ પ્રતિબંધ હોવાતી ફરીથી ઉપયોગમાં લઈ શકાય માટે તાંબા કે સ્ટીલની બોટલ જ સાથે રાખવી.
- સૂકો નાસ્તો અને ગ્લુકોઝ: માર્ગમાં ઠેર ઠેર અન્નશ્રેત્રોની સેવા મળી રહે છે. છતાં ત્વરિત ઉર્જા માટે ગ્લુકોઝ પાવડર, ખજૂર, સૂકો મેવો, બિસ્કીટ અને ગોળ ચણાં સાથે રાખવા.
ઈલેક્ટ્રોનિક્સ, રોકડ અને જરુરી દસ્તાવેજો
- આઈડી પ્રૂફ: સુરક્ષા અને કટોકટીના સમયે ઉપયોગી થાય તે માટે સરકારી ઓળખપત્ર સાથે રાખવા.
- ટોર્ચ અને પાવરબેંક: પરિક્રમાના રુટ પર અંધારા રસ્તાઓ પર રાત્રે ચાલવા માટે નાની ટોર્ચ અને મોબાઈલ ચાર્જ કરવા માટે ફરજિયાત પણે પાવરબેન્ક સાથે રાખવી.
- રોકડ રકમ: જંગલ વિસ્તારમાં ઘણીવાર મોબાઇલ નેટવર્ક જતું રહે છે. આથી ઓનલાઇન પેમેન્ટ કંઇ કામનું નથી રહેતું. આથી રોકડ રાખવી.
લીલી પરિક્રમા દરમિયાન આ વસ્તુઓને સાથે લઈ જવી ટાળવી
- ફટાકડા અને લાઉડ સ્પીકર: વન્યજીવોની શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે માટે ફટાકડા ફોડવા કે મોટા સ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
- વ્યસન અને જ્વલનશીલ વસ્તુઓ: તમાકુ, બીડી, સિગારેટ, માચિસ, લાઈટર કે કોઈપણ પ્રકારના કેફી દ્રવ્યો જંગલમાં લઈ જવા પર પ્રતિબંધ છે.
- બિનજરૂરી ભારે સામાન: વધારાની બેગ ભવનાથ તળેટી ખાતે આવેલા ક્લોકરૂમ કે ધર્મશાળામાં સુરક્ષિત મૂકીને માત્ર એક નાની બેકપેક સાથે જ પરિક્રમાનો પ્રારંભ કરવો હિતાવહ છે.
- પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ: વન વિભાગ અને વહીવટીતંત્રના આદેશ મુજબ જંગલમાં પ્લાસ્ટિકની બોટલ, ઝબલા કે રેપર લઈ જવા પર સખત મનાઈ છે. નિયમ ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.
