Girnar Lili Parikrama 2026: 54 સિંહ અને 50 દીપડાની વચ્ચે 36 કિમીની પરિક્રમા;  450 વધારાની ST બસો દોડશે, તંત્રનો એક્શન પ્લાન તૈયાર

ગિરનાર લીલી પરિક્રમા 2026નો 20 નવેમ્બરની મધરાતે પ્રારંભ થશે. 36 કિમીના રૂટ પર 54 સિંહ અને 50 દીપડાની વચ્ચે શ્રદ્ધાળુઓની સુરક્ષા, આરોગ્યને લઈને વિશેષ વ્યવસ્થા કરાઈ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 07:41 AM (IST)Updated: Wed, 18 Nov 2026 07:41 AM (IST)
girnar-lili-parikrama-2026-complete-schedule-security-plan-and-fire-alert-in-junagadh-forest

Girnar Lili Parikrama 2026:  જૂનાગઢના ગરવા ગિરનારની ગોદમાં કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી યોજાતી પરંપરાગત લીલી પરિક્રમાનો આગામી 20મી નવેમ્બરની મધ્યરાત્રિએ 12 વાગ્યે વિધિવત પ્રારંભ થશે. જય ગિરનારીના ગગનભેદી નાદ સાથે લાખો પરિક્રમાર્થીઓ 36 કિમીની પાવન અને દિવ્ય પરિક્રમામાં જોડાશે. આ વર્ષે ઓછા વરસાદને કારણે જંગલમાં પાણીની અછત અને સૂકા પાંદડાથી આગ લાગવાની ભીતિ તેમજ 54 સિંહ અને 50 દીપડાના વસવાટને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગે અભૂતપૂર્વ સુરક્ષા અને સુવિધાનો એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

પાંચ દિવસની પદયાત્રા અને 36 કિમીનો નિર્ધારિત રૂટ

સનાતન પરંપરા મુજબ અગિયારસના દિવસે શ્રદ્ધાળુઓ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરી ભવનાથ મહાદેવ અને દૂધેશ્વર મહાદેવના દર્શન કરે છે. 20-21 નવેમ્બરની મધ્યરાત્રિએ રૂપાયતન ગેટ અને દૂધેશ્વરની જગ્યાએથી 36 કિમીની પરિક્રમા શરૂ થશે.

  • પહેલો પડાવ: ભવનાથથી રૂપાયતન, ઈંટવા અને ચાર ચોક થઈ શ્રદ્ધાળુઓ જીણાબાવાની મઢી અથવા હસનાપુર ખાતે રાત્રિ રોકાણ કરશે.
  • બીજો પડાવ: તેરસના દિવસે જાંબુડી થાણા, સરકડીયા હનુમાન, માલીડા અને પાટવડ કોઠા થઈ માળવેલા (સૂરજકુંડ) ખાતે પડાવ નખાશે.
  • ત્રીજો પડાવ: ચૌદશના દિવસે નળપાણીની ઘોડી વટાવી શ્રદ્ધાળુઓ બોરદેવી ખાતે પહોંચશે.
  • પૂર્ણાહુતિ: પૂનમના દિવસે સવારે બોરદેવી ત્રણ રસ્તા થઈ ભાવિકો ભવનાથ તળેટી પરત ફરતા પરિક્રમા સંપન્ન થશે.

વન્યપ્રાણીઓ પર રહેશે વન વિભાગની બાજ નજર

ગિરનારના અભ્યારણ્ય વિસ્તારમાં 50 દીપડા અને 54 સિંહનો કાયમી વસવાટ હોવાથી માન્ય-વન્યજીવન સંઘર્ષ ટાળવા માટે ડીસીએફ અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ વન વિભાગના 400થી વધુ કર્મચારીઓ અને સાસણની સ્પેશ્યલ ટ્રેકટ ટીમ 24 કલાક તૈનાત રહેશે. વન્યજીવોની સારવાર માટે વેટરનરી ટીમ અને વોકીટોકીથી સજ્જ 20 રાવટીઓ ઉભી કરવમાં આવી છે. પાણીના પોઈન્ટ્સ પર વન્યજીવ અને મગર જેવા પ્રાણીઓનું જોખમ હોવાથી શ્રદ્ધાળુઓને નિર્ધારિત રુટ છોડીને જંગલ અંદર ન જવા કડક સૂચના અપાઈ છે.

પ્લાસ્ટિક પર પ્રતિબંધ અને આગની ભીતિ

ઓછા વરસાદના કારણે જંગલમાં સૂકા પાંદડા વધુ હોવાથી આગ લાગવાનું જોખમ વધ્યું છે. જેને રોકવા તમામ 30 ફોરેસ્ટ રુટ પર ફાયર બ્લોઅર અને ફાયર ફાઈટરની ટીમોને તૈનાત કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓ સિગારેટ, બીડી કે અન્ય જ્વલનશીલ વસ્તુઓ ન વાપરે અને રસોઈ બાદ આગને સંપૂર્ણ રીતે ઓલવી નાખવાની અપીલ કરવામાં આવી છે. વન વિસ્તારમાં પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે. તેમજ ચેકિંગ માટે 13 વિશેષ ટીમોનું ગઠન કરવામાં આવ્યું છે, પ્લાસ્ટિક મળ્યા પર શ્રદ્ધાળુઓને મસમોટો દંડ કરવામાં આવશે.

પાણી, સ્વાસ્થ્ય અને સુરક્ષાની હાઈટેક વ્યવસ્થા

જૂનાગઢ કલેક્ટર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે, સરફેસ વોટર ઓછું હોવાથી બોરની સંખ્યા બમણી કરીને 32 કરાઈ છે. રૂટ પર 5000 લીટરની ક્ષમતાવાળી 51 પાણીની ટાંકીઓ, 7 હેન્ડપંપ અને પ્રથમવાર માળવેલા તથા નળપાણીની ઘોડી પર પાણી પહોંચાડાયું છે. ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ વિશેષ સુવિધા ઉભી કરાઈ છે. જેમાં 7 હેલ્થ યુનિટ્સ, બાઈક એમ્બ્યુલન્સ અને ભવનાથ ખાતે અલગથી ICU યુનિટ ઊભું કરાયું છે. રૂટ પર 69 અન્નક્ષેત્રો, દૂધ-છાશના કેન્દ્રો અને સ્વચ્છતા માટે 1000થી વધુ કચરાપેટીઓ મૂકવામાં આવી છે. તેની સાથે સાથે પોલીસ, વન વિભાગ અને SDRFની 2 ટીમો મળી આશરે 2500નો સ્ટાફ, CCTV અને ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કરશે.

450 એસટી બસો અને 9થી વધુ પાર્કિંગ પોઈન્ટ

અમદાવાદ સહિત રાજ્યભરમાંથી આવતા યાત્રાળુઓ માટે રેલવે અને એસટી વિભાગ દ્વારા 450 વધારાની બસો દોડાવાશે. અમદાવાદથી ટ્રેન કે બસ દ્વારા અંદાજે 6 થી 6.30 કલાકમાં જૂનાગઢ પહોંચી શકાય છે, જ્યાંથી ભવનાથ જવા મિની બસ મળશે. ભવનાથ દરવાજાથી આગળ માત્ર પાસધારક ઓટો રિક્ષા જ જઈ શકશે. ખાનગી વાહનો માટે શહેરમાં 9થી વધુ પાર્કિંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે.