ગિરનાર લીલી પરિક્રમા 2026: કઠિન ઘોડીઓ પર અજવાળા માટે 1600 LED લાઈટ અને 25 જનરેટરની વ્યવસ્થા, જાણો સુરક્ષા પ્લાન

ગિરનાર લીલી પરિક્રમા 2026: પ્રથમવાર 36 કિમીનો રૂટ 1600 LED લાઈટથી ઝગમગશે; રાજકોટથી આવ્યું 300 મણ અથાણું, 8 ઝોનમાં પોલીસ બંદોબસ્ત અને સ્પેશિયલ ટ્રેન દોડશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 09:09 AM (IST)Updated: Wed, 18 Nov 2026 09:09 AM (IST)
girnar-lili-parikrama-2026-36-km-route-illuminated-with-1600-led-lights-and-300-maunds-pickle-rajkot
AI IMAGE

Girnar Lili Parikrama 2026: ગરવા ગિરનારની લીલી પરિક્રમા 20મી નવેમ્બરથી શરુ થવાની છે. લીલી પરિક્રમાને લઈને જૂનાગઢ વહીવટી તંત્રે પોતાની તૈયારીઓ ઝડપથી વધારી દીધી છે. તેમજ સ્થાનિકોમાં પણ ગજબનો જોશ જોવા મળી રહ્યો છે. ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. લીલી પરિક્રમામાં આવતા શ્રધ્ધાળુઓને કોઈ અગવડતાં ન પડે તે હેતુથી સેવાભાવી સંસ્થાઓ, ઉતારામંડળોએ પણ જંગલ વિસ્તારમાં અન્નક્ષેત્રની તૈયારીઓ શરુ કરી છે.

36 કિમીનો રુટ LED લાઈટથી ઝળહળશે

લીલી પરિક્રમા દરમિયાન રાત્રિ સમયે રુટ પરમાં લોકોને ચાલવામાં ઘણી મુશ્કેલી પડતી હોય છે. આથી તે સમસ્યાના ઉકેલ માટે 36 કિમીના રુટ પર 1600 LED લાઇટ લગાડવામાં આવી છે. પરિક્રમા સમયે કઠીન ઘોડીઓ પર ચડાણ કરતી વેળાએ શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક આવતો હોય છે. અંધકારમાં તાત્કાલિક મદદ પહોંચાડવી મુશ્કેલ બને છે. તેથી આ વર્ષે પરિક્રમા માર્ગ પર લાઇટો લગાડી દેવામાં આવી છે. તેમજ લાઇટો સતત ચાલુ રહે તે માટે 125 કેવીના 25 જનરેટરો પણ ગોઠવી દેવાયા છે.

રાજકોટથી આવ્યું 300 મણ અથાણું

ગિરનારની લીલી પરિક્રમામાં શ્રદ્ધાળુઓના ભોજન, નાસ્તાને લઈને સેવાભાવી સંસ્થાઓ અત્યારથી જ તૈયારીઓ વધારી છે.ખોડીયાર રાસ મંડળ અન્નક્ષેત્ર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે મંડપ ફીંટીંગ કામ શરુ કર્યું છે. આ સેવાભાવી સંસ્થાએ પરિક્રમામાં આવતાં શ્રદ્ધાળુઓ માટે રાજકોટથી 300 મણ મરચાનું અથાણું તૈયાર કરીને જૂનાગઢ ખાતે પહોંચાડી દીધું છે. જંગલમાં રસોઈ માટે 400 ડબા તેલ, 138 ડબા ઘી અને 8 લાકડાનો જથ્થો પહોંચાડવામાં આવ્યો છે.

સુરક્ષા વ્યવસ્થા અને સ્પેશિયલ ટ્રેન

લીલી પરિક્રમા દરમિયાન 24 કલાક યાત્રિકોની સુરક્ષા જળવાય અને ટ્રાફિક સમસ્યાની સુયોગ્યપણે ગોઠવણ થાય તે માટે જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. પરિક્રમામાં 8 ઝોનના 7 DYSP, 83 PSI, 28 PI, 70 ટ્રાફિક પોલીસ અને 818 પોલીસ સ્ટાફ તૈનાત રહેશે ઉપરાંત 1 કંપની SRP, 1 પ્લાટુન SDRF, 2 BDDS, 710 GRD, 250 હોમગાર્ડને ખાસ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મુસાફરોને કોઈ તકલીફ ન પડે તે હેતુથી રેલ્વે તંત્ર દ્વારા 18થી 26 નવેમ્બર સુધી જૂનાગઢ-રાજકોટ વચ્ચે બે જોડી સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.