Visavadar By Election 2025: આગામી 19 જૂને રાજ્યમાં કડી અને વિસાવદરની ખાલી બેઠક પર પેટાચૂંટણી યોજાશે. આ બંને બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ત્યારે વિસાવદર બેઠક પરથી ભાજપે કિરીટ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. જે બાદ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં આવેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું પહેલું નિવેદન સામે આવ્યું છે. ટિકિટ કપાતા ભૂપત ભાયાણીએ કહ્યું છે કે, મેં તો કિરીટ પટેલને ટિકિટ મળે એ માટે માનતા રાખી હતી.
ભૂપત ભાયાણીએ જણાવ્યું કે, કિરીટ પટેલ મારા નાના ભાઈ સમાન વ્યક્તિ છે અને ખૂબ જ સક્ષમ વ્યક્તિ છે. અમારા જિલ્લાના 10 વર્ષથી એક જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે ખૂબ જ પાવરફુલ કામગીરી કરેલી છે અને પાવરફુલ અમારા પટેલ સમાજનો પાવરફુલ યુવાન રાજનીતિમાં આગળ વધે છે અને એમની ટિકિટ ભારતીય જનતા પાર્ટીએ આપી છે તો ભારતીય જનતા પાર્ટીના આ નિર્ણયને હું ખૂબ જ હૃદયપૂર્વક આવકારું છું. કિરીટ પટેલને ખભેરી બેસાડી નેતા બનાવી અને વિધાનસભામાં મોકલવા સુધાની જવાબદારી મારી છે.
આ પણ વાંચો
તેમણે વધુમાં કહ્યું કે, અમારા જિલ્લામાં મારા કરતાં પણ વધુ સક્ષમ કિરીટભાઈ છે તો મારા સમાજના છે યુવાન છે સક્ષમ છે શક્તિશાળી છે અને ખૂબ જ કામ કરવાની એક ચોક્કસ એમની પદ્ધતિ છે. તેવો સારો યુવાન રાજનીતિમાં આગળ વધતો હોય તો મારી એક નૈતિક જવાબદારી બને છે કે મારે એને સમર્થન આપવું જોઈએ અને એમને મોટા કરવા જોઈએ. તો મને બિલકુલ દુઃખ નથી હોશે હોશે મેં તો માનતા કરી હતી કે કિરીટ પટેલને ટિકિટ મળે તો હું પરબધામમાં માનતા કરાવીશ. તો હું ખૂબ જ અંદરથી એટલો ખુશ છું કે તમને કહું કિરીટ પટેલને જીતાડવાની સંપૂર્ણ જવાબદારી પણ મારી છે અને અંદરથી મને આજે એટલી બધી ખુશી છે કે કોઈ મને રંજ નથી કોઈ દુઃખ નથી અને અમે અમે છેલ્લા 15 વર્ષથી મળીને જ બધા કામો જિલ્લામાં કર્યા છે તો આવનારા વર્ષોમાં પણ અમે અમારા વિસ્તારનું હિત થાય એવા નિર્ણયો કરીશું અને એવા કામો કરશું સાથે મળીને તો બિલકુલ મને દુઃખ નથી.
તેમણે કહ્યું કે, મારી ટિકિટ બિલકુલ કાપવામાં નથી આવી મને વિશ્વાસમાં લઈ મારી સાથે વિચાર વિમર્શ કરી અને ભારતીય જનતા પાર્ટીના મોડી મંડળે નિર્ણય કર્યો છે. તો એમાં ટિકિટ કાપવાનો કોઈ પ્રશ્ન નથી. કોઈ વિશ્વાસઘાતનો કોઈ પ્રશ્ન નથી. એમાં સંપૂર્ણ સંપૂર્ણ મારી સહમતી હતી.
