Bhupat Bhayani News: વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ખેડૂતો માટે મેદાનમાં આવ્યા છે. તેમણે કૃષિમંત્રીને પત્ર લખીને 2024માં પડેલા કમોસમી વરસાદને કારણે થયેલા નુકસાન માટે કૃષિ રાહત પેકેજ આપવાની માંગ કરી છે. ભાયાણીએ કટાક્ષ કરતા જણાવ્યું છે કે જો અમરેલી, ધારી અને જેતપુરના ખેડૂતોને સહાય ચૂકવવામાં આવતી હોય તો તેમના પંથકના ખેડૂતોને શા માટે બાકાત રાખવામાં આવે છે. તેમણે એ પણ પ્રશ્ન ઉઠાવ્યો કે જો સર્વે થયો હોય તો ચૂકવણી કેમ બાકી છે, અને જો ના થયો હોય તો સર્વે કરવામાં આવે.
ચૂંટણી પછી લાંબા સમયથી ચર્ચામાં ન રહેલા ભૂપત ભાયાણીનું આકસ્મિક રીતે મેદાનમાં આવવું સૂચવે છે કે તેમને ક્યાંક એવું લાગ્યું છે કે તેમના ખેડૂતો માટે કંઈક કરવું જોઈએ. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ અને આ વખતની ચૂંટણીમાં ટિકિટ ન મળ્યા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. હાલના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતોની ચિંતા નથી કરતા તેવો આડકતરો ઈશારો પણ આ રજૂઆતમાં જોવા મળે છે. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ખાસ કરીને વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ તાલુકાના ખેડૂતોને ગત વર્ષે કમોસમી વરસાદના કારણે નુકસાની વળતર માટે 2024નું કૃષિ પેકેજ આપવા જણાવ્યું છે.
તેમણે પત્રમાં જણાવ્યું છે કે, ગત વર્ષે ઓક્ટોબર 2024માં થયેલા અતિભારે કમોસમી વરસાદના લીધે ખેડૂતોનો તૈયાર પાક પલળી જતાં પારાવાર નુકસાની થઈ હતી. આ તાલુકાઓ માત્ર ખેતી આધારિત વિસ્તાર હોવાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. તેમણે માંગણી કરી છે કે ખેડૂતોની માંગણી મુજબ તાત્કાલિક કૃષિ રાહત પેકેજ મળે તે અંગે ઘટતું કરવામાં આવે. ભૂપત ભાયાણીએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને રૂબરૂ મળીને પણ ખેડૂતોની આ વાત રજૂ કરી છે કે તેમને પણ આ સહાય મળવાપાત્ર છે.
ભૂપત ભાયાણીનો સીધો આક્ષેપ છે કે જેતપુર, અમરેલી અને ધારી જેવા સીમાવર્તી તાલુકાઓના ખેડૂતોને સરકાર દ્વારા એક હેક્ટરે 11,000 અને બે હેક્ટરે 22,000 રૂપિયાની રાહત પેકેજ સહાય મંજૂર કરવામાં આવી છે. જ્યારે વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય જેવા તેમના મત વિસ્તારના ગામડાઓમાં પણ કમોસમી વરસાદ વિપુલ માત્રામાં પડ્યો હતો અને કપાસનો પાક સદંતર નિષ્ફળ ગયો હતો, તેમ છતાં તેમને અન્યાય શા માટે? તેમણે જણાવ્યું કે ગયા વર્ષે ભેસાણમાં 70 ઇંચ, વિસાવદરમાં 100 ઇંચ અને જૂનાગઢ ગ્રામ્યમાં 90 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો, જે રાજ્યનો સૌથી વધુ વરસાદ હતો, છતાં તેમના ખેડૂતોને સહાય આપવામાં આવતી નથી.
આ સમગ્ર મામલે ભૂપત ભાયાણીએ સરકારને વિનંતી કરી છે કે તેમની વિધાનસભાના ખેડૂતોને પણ આ સહાય મળે. હવે જોવાનું રહ્યું કે જ્યારે પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ખેડૂતોની વહારે આવ્યા છે, ત્યારે હાલના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા આ બાબતે ક્યારે બોલે છે. જો ચિંતા ભૂપત ભાયાણીને થતી હોય, તો હાલના ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયાને પણ આ ચિંતા થવી જોઈએ. ખેડૂતોને ન્યાય મળે અને યોગ્ય સમયે સરકાર નિર્ણય કરે તેવી અપેક્ષા સાથે ભૂપત ભાયાણીએ રજૂઆત કરી છે.