Bhavnath Shivratri Fair: ભવનાથ તળેટી ખાતે લઘુ કુંભ સમાન પાંચ દિવસીય શિવરાત્રીના મેળામાં સાધુ સંતોની ભવ્ય રવેડી નીકળ્યા બાદ પવિત્ર મૃગી કુંડમાં ડૂબકી લગાવી હતી. મહાશિવરાત્રી મેળામાં ભવનાથ ખાતે શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ઉમટેલા ભક્તોએ સાધુ સંતોના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી.
પરંપરા મુજબ સૌપ્રથમ જુના અખાડા ત્યારબાદ આહવાન અને અગ્ની અખાડાના સંતો દ્વારા સ્નાન કરવામાં આવ્યું હતું .હર હર ભોલેના નાદ સાથે સાધુ સંત અને સાધુઓએ મૃગીકુંડમાં સ્નાન કરીને સૌને આશીર્વાદ આપ્યા હતા.
સાધુ સંતોના ભવનાથ મંદિરમાં આગમન સાથે જ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી તેમજ હર હર મહાદેવના નાદથી સમગ્ર સમગ્ર સંકુલ ગુંજી ઉઠ્યું હતું. સાધુ સંતોના સ્નાન પૂર્વે મહા આરતી કરવામાં આવી હતી .જેમાં મૃગી કુંડની પણ આરતી કરવામાં આવી હતી. આ કુંડમાં કરોડો તીર્થ વસેલા છે. આ કુંડમાં સ્નાન કરનારને મુક્તિ મળે છે તે તેમ આ કુંડનું મહાત્મય છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વયંભૂ ભવનાથ મહાદેવની પૂજા અર્ચના કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાશિવરાત્રીના પાવન પર્વે ગરવા ગિરનારની ગોદમાં અને ભવનાથ તળેટીમાં બિરાજતા સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન અને પૂજા અર્ચના કરી હતી. મુખ્યમંત્રીની સાથે ઉર્જા રાજયમંત્રી કૌશિક વેકરીયા પણ શ્રદ્ધાપૂર્વક ભવનાથ મહાદેવના દર્શન - પૂજામાં જોડાયા હતાં.
મુખ્યમંત્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતા પાંચ દિવસીય મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે ભવનાથ મંદિર પરિસરમાં સાધુ સંતોના આશીર્વાદ મેળવી તેમને ખેસ અર્પણ કરીને વિશેષ સન્માન સાથે અભિવાદન કર્યું હતું.
સંત સમાગમ માટે પ્રસિદ્ધ આ મહાશિવરાત્રીના મેળામાં મુખ્યમંત્રીએ સાધુ સંતો સાથે મેળાપ કરીને આધ્યાત્મિક ચેતનાની પણ અનુભૂતિ કરી હતી. ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મંદિરમાં આવેલા અખંડ ધુણાના પણ દર્શન કર્યા હતા ત્યારબાદ મૃગીકુંડ ખાતે શ્રદ્ધાપૂર્વક નમન કર્યા હતા. મુખ્યમંત્રીએ ભવનાથ મંદિરના પરિસરમાં સહજતાપૂર્વક ભાવિકો સાથે વાતચીત કરી હતી અને તેમનું અભિવાદન કર્યું હતું.
