Bhavnath Fair 2026: ગિરનારની ગોદમાં આવેલા દામોદર કુંડ તીર્થમાં તામ્રવર્ણ સ્વરૂપે બિરાજે છે શ્રી કૃષ્ણ, પિતૃઓના કલ્યાણનો વિશેષ મહિમા

ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા અને જગન્નાથપુરીને આ મંદિરનું સ્થાપત્ય મંદિરને મળતું આવે છે. દામોદર કુંડ તીર્થમાં ભાવિકો આસ્થાભેર દામોદર કુંડમાં ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 21 Jan 2026 10:53 AM (IST)Updated: Wed, 21 Jan 2026 10:53 AM (IST)
bhavnath-mahashivratri-fair-2026-damodar-kund-girnar-junagadh-ancestral-glory

Bhavnath Mahashivratri Mela 2026: સૌરાષ્ટ્રની ગંગા કહી શકાય તેવું પવિત્ર અને પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ તીર્થ રૈવતાચલ- ગીરી તળેટીમાં આવેલુ છે, અહીં ભગવાન શ્રીકૃષ્ણ દામોદર સ્વરૂપે બિરાજે છે, આશરે 12500 વર્ષ જૂનું મનાતા આ તીર્થ ક્ષેત્રમાં ભાવિકો આસ્થાભેર દામોદર કુંડમાં ડૂબકી લગાવે છે અને ભગવાન દામોદરજીના શ્રદ્ધાપૂર્વક દર્શન કરી ધન્યતા અનુભવે છે.

પિતૃઓના તર્પણ અને અસ્થિ વિસર્જન માટે સવિશેષ જાણીતા આ તીર્થમાં મહાશિવરાત્રી પર્વમાં પણ વિશેષ દિવ્યતા જોવા મળે છે, એમ પણ કહી શકાય કે અહીં હરી અને હરનો વિશેષ સંગમ જોવા મળે છે. મહાશિવરાત્રીના મેળાનો પણ સાધુ સંતો અને ભાવિકો દામોદર કુંડમાં સ્નાન કરી, પુણ્યનું ભાથું બાંધે છે.

મંદિરનું સ્થાપત્ય દ્વારકા-જગન્નાથપુરીને મળતું આવે છે

ગિરનારની ગોદમાં આવેલા આ મંદિરના ટ્રસ્ટી તરીકે સેવારત નિલેશ પુરોહિત દામોદર કુંડના પૌરાણિક મહાત્મા જણાવતા કહે છે કે, આ તીર્થમાં શ્રી રાધા દામોદરજી અને શ્રી રવતીજી બલદેવજીનું પ્રાચીન મંદિર આવેલું છે, આ મંદિરની વિશેષતા એ પણ છે કે, ભારતભરમાં ભગવાન શ્રીકૃષ્ણના શ્યામ કે શ્વેત વર્ણના સ્વરૂપો જોવા મળે છે.

naidunia_image

પરંતુ સમગ્ર દેશમાં અહીં જ દામોદર ભગવાનનું તામ્ર વર્ણ (તાંબા જેવું વર્ણ) સ્વરૂપે બિરાજે છે. તેમણે એમ પણ કહ્યું કે, આ મંદિરનું સ્થાપત્ય ભગવાન શ્રી કૃષ્ણના દ્વારકા અને જગન્નાથપુરીને મંદિરને મળતું આવે છે, આ ત્રણેય મંદિરો 3,5 અને 7 માળના સુમેળભર્યા માળખા સાથે બનેલા છે.

બ્રહ્માજીના કમંડળમાંથી જળ પધરાવી આ તીર્થની સ્થાપના થઈ

તેમણે જણાવ્યું કે, ગિરનાર તળેટીમાં આવેલું આ પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડ ગુજરાત જ નહીં સમગ્ર ભારત માટે આસ્થાનું પ્રતીક છે, જેનો સ્કંદપુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળે છે. પુરાણો મુજબ આ તીર્થની ઉત્પત્તિ બ્રહ્માજીના કમંડળમાંથી જળ પધરાવી આ તીર્થની સ્થાપના થઈ હોવાનું મનાય છે, ઉપરાંત આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રીકૃષ્ણની પાંચમી પેઢીના રાજા વજ્રનાભ દ્વારા કરવામાં આવ્યું હોવાની પણ માન્યતા છે.

naidunia_image

વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો દર્શનાર્થે આવે છે

ભગવાન શ્રીકૃષ્ણના મોટાભાઈ બલરામજીના લગ્ન પણ અહીં થયા હોવાના ઉલ્લેખ જોવા મળે છે, અહીં આવેલા રેવતી કુંડ તેમનો લગ્નનો કુંડ કહેવાય છે અહીં જ તેમના લગ્ન માતા રેવતીજી સાથે થયા હતા. ઉપરાંત રેવતી કુંડની ઉપર રાસચોરો પણ આવેલો છે, જ્યાં બલરામજીએ રાસ લીધો હતો.આ તીર્થ નજીકમાં શ્રી મુચકુંદ મહાદેવનું મંદિર ઉપરાંત વૈષ્ણવ સંપ્રદાયની મહાપ્રભુજીની 64મી બેઠક પણ આવેલી છે, એટલે અહીં શૈવ અને વૈષ્ણવ સંપ્રદાયના ભાવિકો દર્શનાર્થે આવે છે.

આ તીર્થ આદિકવિ નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલું

ઉપરાંત આ તીર્થ આદિકવિ નરસિંહ મહેતા સાથે પણ જોડાયેલું છે, એમ કહેવાય છે કે ગીરી તળેટીને દામોદર કુંડ, ત્યાં મહેતાજી નાવા જાય, એટલે નરસિંહ મહેતા આશરે 550 વર્ષ પૂર્વે રોજિંદા આ તીર્થમાં સ્નાન કરવા પધારતા અને સ્નાન કરી ભગવાન દામોદરજીના દર્શન સાથે ભક્તિભાવ સાથે ભગવાન શ્રીકૃષ્ણના ગુણગાન ગાયા હતા.

naidunia_image

ભાવિકો ભાદરવી અમાસે ઉમટી પડે છે

અહીં પિતૃઓના કલ્યાણ અર્થે મોટી સંખ્યામાં ભાવિકો ભાદરવી અમાસે ઉમટી પડે છે, એ ઉપરાંત ચૈત્ર, કારતક માસ દરમિયાન પણ ભાવિકો પિતૃઓનું અહીં તર્પણ અર્થે અહીં પધારે છે અને પ્રાચીન મોક્ષ પીપળોએ પાણી રેડે છે. દામોદર કુંડનો વિશેષ મહિમા એવો છે કે, દામોદર કુંડના પાણીમાં અસ્થિઓ ગણતરીના દિવસોમાં જ પાણીમાં મળી જાય છે.

તેમણે એમ પણ કહ્યું કે, ગંગાજી અને ગોમતીજીમાં જે રીતે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે તે જ રીતે દામોદર કુંડમાં પણ પિતૃઓના કલ્યાણ માટે અસ્થિઓનું વિસર્જન કરવામાં આવે છે. આ સમગ્ર તીર્થનું શ્રી દામોદર કુંડ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે.

તેમણે મહાશિવરાત્રીના મેળાના આયોજન સંદર્ભે પણ જણાવ્યું કે, ગુજરાત સરકારના પ્રયાસોથી આ વર્ષે મહાશિવરાત્રીનો મેળો ભવ્યતમ મેળો બનવા જઈ રહ્યો છે, આ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે, મેળો વધુ ભવ્ય બને તે માટે સુશોભન સહિતની કામગીરી કરવામાં આવશે. સાથે જ ભાવિકોની સુગમતા માટે જરૂરી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.