Junagadh: મહાશિવરાત્રીના મેળામાં જાણીતા અઘોરી ગ્રુપે આધુનિક સંગીતના સમન્વય સાધીને શિવ- શક્તિની ભક્તિમય પ્રસ્તુતિઓ આપીને શ્રોતાઓને અને મંત્રમુગ્ધ કર્યા હતા.
કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ -ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર- જૂનાગઢ દ્વારા આયોજિત આ સાંસ્કૃતિક કાર્યક્રમને મહાશિવરાત્રીના મેળામાં પધારેલા મોટી સંખ્યામાં પધારેલા ભાવિકોએ માણ્યો હતો. આધુનિક સંગીતના સમન્વય સાથેની આ ભક્તિમય પ્રસ્તુતિઓને માણવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું સ્થળ ભાવિકો સંગીત પ્રેમીઓથી ચિક્કાર ભરાઈ ગયું.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુકેશભાઈ કણસાગરા, કમિશનર તેજસ પરમાર, પ્રાંત અને મેળાધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના પદાધિકારી -અધિકારી પણ સહભાગી બન્યા હતા.
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સાધુ સંતોને ભોજન પીરસી સંતોના આશીર્વાદ મેળવ્યાં
જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયા સહિતના અધિકારીઓએ મહાશિવરાત્રીના પર્વે આજે સાંજે પોતાના હાથે સાધુ સંતોને ભોજન પીરસીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
ભવનાથ મંદિરની જગ્યામાં જિલ્લા કલેકટરની સાથે કમિશનર તેજસ પરમાર, જિલ્લા પોલીસ વડા સુબોધ વડોદરા સહિતના અધિકારીઓએ સાધુ સંતોને ભાવપૂર્વક ભોજન કરાવી ધન્યતા અનુભવી હતી.
આ તકે જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે, મહાશિવરાત્રી પર્વ નિમિત્તે આજે પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદ મેળવવાની સાથે ભોજન કરાવવાનો અમૂલ્ય લ્હાવો મળ્યો હતો.
ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢના આંગણે મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો પધારતા હોય ત્યારે 250 જેટલા અન્ન ક્ષેત્રો લાખો ભાવિકોન પ્રસાદરૂપી ભોજન દ્વારા ભાવિકોના જઠરાઅગ્નિને ઠારે છે. આ માટે તેમણે અન્નક્ષેત્રનો પણ જિલ્લા વહીવટી તંત્ર વતી આભાર વ્યક્ત કર્યો હતો.
