જામનગરના વનતારાનો વૈશ્વિક ડંકો, લાઓસમાં હાથીઓના રક્ષણ અને સારવાર માટે હાથ મિલાવ્યા, રેપિડ રિસ્પોન્સ ટીમ થઈ કાર્યરત

જામનગરના વનતારા અને લાઓસની મંડળાવ સંસ્થા વચ્ચે હાથીઓના સંરક્ષણ માટે કરાર થયા છે. આ પ્રોજેક્ટ હેઠળ લાઓસમાં મોબાઈલ વેટરનરી યુનિટ અને ખાસ હોસ્પિટલ તૈયાર કરાશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 09 Sep 2026 06:07 PM (IST)Updated: Wed, 09 Sep 2026 06:07 PM (IST)
vantara-jamnagar-laos-partner-for-elephant-conservation-mou

Vantara Laos MoU: ગુજરાતના જામનગર સ્થિત વૈશ્વિક વન્યજીવ સંરક્ષણ સંસ્થા 'વનતારા' (Vantara) અને લાઓસની સુપ્રસિદ્ધ સંસ્થા 'મંડળાવ એલિફન્ટ કન્ઝર્વેશન' (Mandalao Elephant Conservation) વચ્ચે લાઓસમાં કલ્યાણકારી હાથી સંરક્ષણ કાર્યક્રમ શરૂ કરવા માટે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 9 સપ્ટેમ્બર 2026ના રોજ લુઆંગ પ્રબાંગ ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં લાઓસના સરકારી પ્રતિનિધિઓની સત્તાવાર હાજરીમાં આ ભગીરથ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી.

એલિફન્ટ રેપિડ રિસ્પોન્સ ટીમ અને આધુનિક મોબાઈલ વેટરનરી યુનિટ

આ ભાગીદારીના પ્રારંભિક તબક્કા તરીકે લાઓસમાં 'એલિફન્ટ રેપિડ રિસ્પોન્સ ટીમ'નો પ્રારંભ કરવામાં આવ્યો છે. વનતારા દ્વારા સંપૂર્ણ સુવિધાસજ્જ 'મોબાઈલ એલિફન્ટ વેટરનરી યુનિટ' પૂરું પાડવામાં આવ્યું છે, જેની મદદથી સમગ્ર લાઓસમાં બીમાર અથવા ઈજાગ્રસ્ત થયેલા જંગલી અને પાલતુ (કેપ્ટિવ) હાથીઓને ઈમરજન્સીમાં તાત્કાલિક તબીબી સારવાર આપી શકાશે. આ ઉપરાંત, ઈમરજન્સી સારવાર, લાંબા ગાળાની સંભાળ અને પુનર્વસન માટે એક વિશેષ હાથી હોસ્પિટલની સ્થાપના પણ કરવામાં આવશે.

લાઓસમાં હાથીઓની વર્તમાન સ્થિતિ

એક સમયે 'લાન ઝાંગ' એટલે કે "દસ લાખ હાથીઓની ભૂમિ" તરીકે ઓળખાતા લાઓસ દેશમાં હાલ માત્ર આશરે 400 જંગલી હાથીઓ અને 400થી વધુ પાલતુ હાથીઓ જ બચ્યા છે. જંગલી હાથીઓ કુદરતી આવાસ ગુમાવવા, શિકાર અને માનવ-હાથી ઘર્ષણનો સામનો કરી રહ્યા છે, જ્યારે પાલતુ હાથીઓ લાકડા વહન કરવાના આકરા કામો અને પ્રવાસન ક્ષેત્રે કામ કરી રહ્યા છે. લાઓસમાં દર વર્ષે જન્મતા 1 થી 2 હાથીઓની સામે અંદાજે 10 હાથીઓના મૃત્યુ થાય છે.

43 વર્ષીય 'મે ખામનોય'નો મુક્ત છુટકારો અને નિવૃત્તિ

આ પ્રોગ્રામના લોન્ચિંગ સાથે જ 43 વર્ષીય માદા હાથી 'મે ખામનોય' ને રેસ્ક્યૂ કરીને નવું જીવન આપવામાં આવ્યું છે. મે ખામનોયે પોતાનું આખું આયુષ્ય લાકડા વહન કરવાના અત્યંત કઠોર કામમાં વિતાવ્યું હતું, જેમાં તેણે ગર્ભાવસ્થા દરમિયાન 2 બચ્ચાઓ પણ ગુમાવ્યા હતા. તાજેતરમાં તેને વિયેન્ટિયાનમાં વ્યસ્ત રસ્તા કિનારે એકલી રાખીને પ્રવાસીઓને સવારી કરાવવા અને કરતબો બતાવવા માટે મજબૂર કરાતી હતી. હવે તેને નિવૃત્ત કરીને મંડળાવ કન્ઝર્વેશન ખાતે ખસેડવામાં આવી છે, જ્યાં તેને યોગ્ય તબીબી સારવાર, સંતુલિત આહાર અને અન્ય હાથીઓ સાથે રહેવાની તક મળશે.

સ્થાનિક ક્ષમતા વર્ધન અને હેલ્થ કેમ્પ

વનતારા અને મંડળાવની વેટરનરી ટીમો દ્વારા સ્થાનિક 12 હાથીઓ માટે વિશેષ હેલ્થ કેમ્પ યોજીને સંપૂર્ણ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, લાઓસના મહાવતો, હાથી સંભાળકો અને પશુચિકિત્સકોને હાથીઓના કલ્યાણ, પોષણ અને નિવારક આરોગ્ય સંભાળ અંગે તાલીમ આપવામાં આવશે. આ તમામ તબીબી સેવાઓ હાથી માલિકો અને સરકારી વિભાગોને તદ્દન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે.

જંગલી હાથીઓનું રક્ષણ અને વનતારાનું વિઝન

વનતારાના કમ્પ્લાયન્સ અને ડ્યૂ ડિલિજન્સના સ્પેશિયલ ડિરેક્ટર અજિત કુલકર્ણીએ જણાવ્યું હતું કે- મંડળાવ સાથે ભાગીદારી કરીને લાઓસના હાથીઓને સ્થાનિક સ્તરે જ સહાય પૂરી પાડવામાં અમને અત્યંત આનંદ થાય છે. તબીબી સંભાળ અને સ્થાનિક ક્ષમતામાં રોકાણ દ્વારા અમે દેશના હાથીઓના ઉજ્જવળ ભવિષ્યમાં કાયમી યોગદાન આપવા ઈચ્છીએ છીએ. આ યોજના હેઠળ લાઓસના અધિકારીઓ અને સ્થાનિક સમુદાયો સાથે મળીને જંગલી હાથીઓની વસ્તી પુનઃસ્થાપિત કરવા, શિકાર અટકાવવા અને માનવ-હાથી ઘર્ષણ ઘટાડવા માટે પણ લાંબા ગાળાના કામો કરવામાં આવશે.