વડાપ્રધાન મોદીની જામનગર મુલાકાત: શહેરમાં દિવાળી જેવો માહોલ, લાલ બંગલા સર્કલે કીર્તિદાન ગઢવીનો ડાયરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 10 મે, રવિવારના રોજ જામનગર પહોંચશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 10 May 2026 09:11 AM (IST)Updated: Sun, 10 May 2026 09:11 AM (IST)
pm-narendra-modi-jamnagar-visit-lighting-decoration-kirtidan-gadhvi-dayro
HIGHLIGHTS
  • વડાપ્રધાન મોદીની જામનગર મુલાકાત
  • સ્વાગત માટે ભવ્ય રોશની અને શણગાર
  • લાલબંગલા સર્કલે લોકડાયરાનું આયોજન

PM Modi Jamnagar visit: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 મે ના રોજ જામનગરની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને તેમના આગમનને વધાવવા માટે સમગ્ર જામનગર શહેર સજ્જ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને તૈયારીઓમાં લાગ્યું છે. જામનગર શહેરને ભવ્ય રીતે શણગારવામાં આવ્યું છે.

રોશની-શણગારથી ઝળહળી ઉઠ્યું જામનગર

વડાપ્રધાનના સ્વાગત માટે એરફોર્સ સ્ટેશનથી લઈને લાલ બંગલા સર્કલ સુધીના સમગ્ર રૂટને ઝળહળતી રોશનીથી સજાવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય સ્થળો અને સરકારી ઈમારતો જેવા કે દરબારગઢ, ડી.કે.વી. કોલેજ, બેડી નાકુ, પવનચક્કી, અન્નપૂર્ણા સર્કલ તથા મહાકાળી સર્કલ ખાતે અવનવી લાઈટિંગ કરવામાં આવી છે.

naidunia_image

આ ભવ્ય રોશનીથી શહેરભરમાં જાણે દિવાળી જેવો માહોલ ઊભો થયો છે. આ સાથે જ, દરેક મુખ્ય સર્કલ પર વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમલી બનેલી વિવિધ જન-ઉપયોગી યોજનાઓની સફર દર્શાવતી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવી રહ્યું છે.

ભવ્ય જન અભિવાદન અને સાંસ્કૃતિક કાર્યક્રમ

આજે 10 મે, રવિવારના રોજ રાત્રે અંદાજે 7:30 કલાકે લાલ બંગલા સર્કલ ખાતે એક વિશાળ જન અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ કલાકાર કીર્તિદાન ગઢવી દ્વારા લોક ડાયરો પ્રસ્તુત કરવામાં આવશે.

naidunia_image

આ ઉપરાંત, આ ખાસ પ્રસંગે ભાતીગળ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત રાસ મંડળીઓ દ્વારા હુડો રાસ, સિદી ધમાલ નૃત્ય અને મણિયારો રાસ સહિતના વિવિધ પરંપરાગત લોકનૃત્યોની ખ્યાતનામ કલાકારો દ્વારા ભવ્ય પ્રસ્તુતિ કરવામાં આવશે.