Jamnagar News: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સે ગુજરાતના વાડીનાર ખાતે અત્યાધુનિક શિપ રિપેર ફેસિલિટીના નિર્માણને મંજૂરી આપી છે. દેશના શિપ રિપેરિંગ ઇકોસિસ્ટમના વિસ્તરણ માટેના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટમાં રુ.1570 કરોડનું રોકાણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટી (DPA) અને કોચિન શિપયાર્ડ લિમિટેડ (CSL) દ્વારા સંયુક્ત રીતે અમલમાં મુકાશે. કેન્દ્ર સરકારની આ પહેલ મેરિટાઇમ ઇન્ડિયા વિઝન 2030 અને મેરિટાઇમ અમૃત કાલ વિઝન 2047ના લાંબા ગાળાના લક્ષ્યાંકોને પૂર્ણ કરવાની દિશામાં મહત્વનું કદમ માનવામાં આવે છે.
વાડીનારમાં શિપ રિપેર સેન્ટરથી શું થશે ફાયદો
બ્રાઉનફિલ્ડ ફેસિલિટી હેઠળ 650 મીટર લાંબી જેટ્ટી, બે મોટા ફ્લોટિંગ ડ્રાય ડોક્સ અને વિવિધ વર્કશોપ સહિતના દરિયાઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે. વડીનારની કુદરતી ઊંડાઈ અને મુંદ્રા તથા કંડલા જેવા મુખ્ય બંદરો સાથેની તેની નિકટતાને કારણે આ લોકેશન મોટા કોમર્શિયલ અને વિદેશી જહાજોના રિપેરિંગ માટે વ્યૂહાત્મક રીતે અનુકૂળ છે. આ પ્રોજેક્ટ દ્વારા સ્થાનિક અને વિદેશી કોમર્શિયલ જહાજોના સંભવિત બજારનો 5-6% હિસ્સો કબજે કરવાનું લક્ષ્ય છે.
ભારતમાં હાલમાં 230 મીટરથી વધુ લંબાઈ ધરાવતા મોટા જહાજોના સમારકામ માટે પૂરતી ક્ષમતા નથી. વાડીનારમાં મોટા જહાજોની મરામત અને જાળવણી માટે અહીં 300 મીટર લંબાઈ ધરાવતા 2 ફ્લોટિંગ ડ્રાય ડોક્સ (FDDs) તૈયાર કરવામાં આવશે. આ નવી સુવિધા 300 મીટર સુધીના જહાજોનું સમારકામ શક્ય બનાવશે. પશ્ચિમ કિનારે જહાજોની વ્યાપક અવરજવરને ધ્યાનમાં રાખીને લેવાયેલા આ નિર્ણયથી વૈશ્વિક શિપ રિપેર માર્કેટમાં ભારતનો હિસ્સો વધશે.
દર વર્ષે 34 જેટલા જહાજોને રિપેર કરી શકાશે
આગામી 36 મહિનામાં આ પ્રોજેક્ટને પૂર્ણ કરવાની સરકારની યોજના છે. વાડીનાર શિપ રિપેર ફેસિલિટીમાં અત્યાધુનિક વર્કશોપ્સ, ક્રેઈન સિસ્ટમ્સ અને વિવિધ પ્રકારના રિપેરિંગ કામો માટેના વિશેષ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ આ સ્થળેથી દર વર્ષે 34 જેટલા જહાજોને રિપેર કરી શકાશે.
આ પ્રોજેક્ટ દ્વારા પ્રત્યક્ષ રીતે 290 અને પરોક્ષ રીતે અંદાજે 1100 જેટલી રોજગારીની તકો ઉભી થશે. શિપ રિપેરિંગની સાથે લોજિસ્ટિક્સ અને સહાયક ઉદ્યોગોમાં પણ વિકાસની તકો ખુલશે, જેનો સીધો લાભ સ્થાનિક MSME એકમોને મળશે. પશ્ચિમ કિનારે રિપેરિંગ ક્ષમતા વધવાથી ભારતીય બંદરોની સ્પર્ધાત્મકતામાં પણ સુધારો થશે.
