Jamnagar News: જામનગરમાં સ્વ. શ્રી હસમુખરાય ગોકળદાસ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જી.ડી. શાહ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ ખાતે ‘રાષ્ટ્રીય રમત દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ હાજરી આપી હતી. હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં ધારાસભ્યએ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. રીવાબાએ વિદ્યાર્થીઓ સાથે રસ્સાખેંચ સહિતની ઇવેન્ટ્સમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ રમત-ગમતની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને રસ્સા ખેંચ સ્પર્ધામાં તેમણે વિદ્યાર્થીનીઓ સાથે મળીને હાથ અજમાવ્યો હતો. તેમના આ સહભાગીપણાથી શાળાના છાત્રોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે બાળકો સાથે રસ્સાખેંચ સહિતની ઇવેન્ટમાં ભાગ લેતા ઉપસ્થિત છાત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
બાળપણના દિવસો યાદ આવી ગયા
આ કાર્યક્રમમાં પોતાના અનુભવો શેર કરતા, રીવાબાએ કહ્યું કે તેમને આ શાળામાં બીજી વખત આવવાનો અવસર મળ્યો છે અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઈને તેમને પોતાના બાળપણના અને શાળાના દિવસો યાદ આવી ગયા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, એક રમત પૂરી થયા પછી તેની હાર-જીત પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે, ફરીથી રમતમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવો વધુ મહત્વપૂર્ણ છે. આ દ્રષ્ટિકોણ જીવનમાં પણ લાગુ પડે છે, જ્યાં નિષ્ફળતા પછી ફરી પ્રયાસ કરવો આવશ્યક છે.

પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાની વાત કરી
રીવાબાએ પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવાની પણ વાત કરી હતી. તેમણે આશા વ્યક્ત કરી કે આ શાળામાંથી પરંપરાગત રમતોને રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તર સુધી લઈ જવામાં આવશે. તેમણે આ માટે શાળાના સ્પોર્ટ્સ ઇન્ચાર્જ, શિક્ષકો, પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓને તેમના પ્રયત્નો બદલ બિરદાવ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
નરેન્દ્ર મોદીના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો
વધુમાં, તેમણે શિસ્ત અને અન્ય સકારાત્મક ગુણોને પ્રોત્સાહન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી લઈને દેશનું સુકાન સંભાળ્યા પછી પણ, વડાપ્રધાન મોદીએ વિવિધ પરંપરાગત અને પ્રચલિત રમતગમતોને સતત પ્રોત્સાહન આપ્યું છે, જેના પરિણામે રમતગમત ક્ષેત્રે જાગૃતિ અને પ્રગતિ આવી છે.
હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય રમત દિવસ’ અંતર્ગત, સ્વ. શ્રી હસમુખરાય ગોકળદાસ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત જી.ડી. શાહ ગ્રૂપ ઓફ સ્કૂલ્સ ખાતે રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.(1/3) pic.twitter.com/fahhVrO5QN
— Rivaba Ravindrasinh Jadeja (@Rivaba4BJP) September 1, 2025
રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયામાં વીડિયો શેર કર્યો
આ ઉજવણી અંગે ધારાસભ્ય રીવાબા જાડેજાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા ‘રાષ્ટ્રીય રમત દિવસ’ અંતર્ગત રમત-ગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન આપ્યું અને તેમની સાથે આનંદની પળો વિતાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રમત-ગમતને પ્રોત્સાહન આપતી પહેલો, જેવી કે ‘ખેલ મહાકુંભ’ અને ‘ખેલો ઇન્ડિયા’નો પણ ઉલ્લેખ કર્યો હતો, અને જણાવ્યું હતું કે આ યોજનાઓ દ્વારા ખેલાડીઓને સતત સમર્થન અને સહાય પૂરી પાડવામાં આવી રહી છે.