Jamnagar News: જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં તબીબી ડિગ્રી કે લાયકાત વગર દવાખાનું ચલાવી દર્દીઓની સારવાર કરતા એક શખ્સને SOG પોલીસે ઝડપી પાડ્યો છે. આરબલુશ ગામ નજીક આવેલી કોલોનીમાં દરોડો પાડીને પોલીસે મૂળ પશ્ચિમ બંગાળના આ શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે સ્થળ પરથી દવાઓ અને તબીબી સાધનો સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આરબલુશ ગામની કોલોનીમાં પોલીસની રેડ
આ પણ વાંચો
જામનગર SOG પોલીસની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી કે આરબલુશ ગામ નજીક એલ.સી.-8 ગેટ સામે આવેલી કોલોનીમાં એક શખ્સ તબીબી ડિગ્રી વગર દવાખાનું ચલાવી રહ્યો છે. બાતમીના આધારે SOG ટીમે સ્થળ પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન શખ્સ તબીબી લાયકાત વગર દર્દીઓને તપાસી દવાઓ અને ઈન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું.
પશ્ચિમ બંગાળના પારિતોષ બિશ્વાસની ધરપકડ
પોલીસ તપાસમાં આરોપીની ઓળખ પારિતોષ મનોજંય બિશ્વાસ તરીકે થઈ છે. તે મૂળ પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ક્રિષ્નાનગરનો વતની છે અને હાલ આરબલુશ ગામની કોલોનીમાં રહેતો હતો. પ્રાથમિક તપાસમાં તે કોઈપણ તબીબી ડિગ્રી કે લાયકાત વગર દર્દીઓની સારવાર કરતો હોવાનું જાણવા મળ્યું હતું.
એલોપેથિક દવા, ઈન્જેક્શન સહિતનો મુદ્દામાલ
દરોડા દરમિયાન પોલીસે આરોપીના કબજામાંથી જુદી-જુદી કંપનીની એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન, સ્ટેથોસ્કોપ સહિતના તબીબી સાધનો કબજે કર્યા હતા. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત ₹7,317 હોવાનું જાણવા મળ્યું છે. આરોપી વિરુદ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 તથા BNS કલમ 125 મુજબ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
