Jamnagar News: હોટલ અને રેસ્ટોરન્ટમાં બહારનું ભોજન આરોગતાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાની એક ગંભીર ઘટના જામનગર શહેરમાંથી સામે આવી છે. શહેરના પટેલ કોલોની વિસ્તારમં આવેલા જાણીતા બજરંગ ઢોસા સેન્ટરમાં પરિવાર સાથએ જમવા ગયેલા એક તબીબની ચટણીની વાટકીમાંથી તળેલો વંદો નીકળતાં ભારે હોબાળો મચી ગયો છે. આ ઘટના સામે આવ્યા બાદ જામનગર મનપાની ફૂડ શાખાએ ખૂબ જ કડક વલણ અપનાવીને સેન્ટરનું વેચાણ ત્રણ દિવસ માટે બંધ કરાવી દીધું છે.
ચટણીમાં વંદો નીકળતાં ગ્રાહક ચોક્યા
આ પણ વાંચો
જામનગરના રહેવાસી ડો. ભાવેશ વ્યાસ પોતાના પરિવાર સાથે ગઈ કાલે પટેલ કોલોની સ્થિત બજરંગ ઢોસા સેન્ટરમાં ડિનર માટે ગયા હતા. અહીં તેમણે ઘી પોડી ઢોસા ઓર્ડર કર્યો હતો. પરિવાર સાથે અડધો ઢોસો ખાઈ લીધા બાદ ડો. વ્યાસનું ધ્યાન ચટણીની વાટકી પર ગયું તો નજારો જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. તેઓએ તાત્કાલિક સંચાલકને આ અંગે ફરિયાદ કરતા માલિકે પોાતની ભૂલ અને જવાબદારી સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી. જ્યારે બીજી બાજુ ફરિયાદ મળતાની સાથે જ જામનગર મનપાની ફૂડ શાખા સ્થળ પર દોડી ગઈ હતી.
ફૂડ શાખાની લાલ આંખ
ફૂડ શાખાના અધિકારીઓએ સ્થળ પર તપાસ કરી હતી. જોકે, તપાસમાં રસોડામાં કોઈ જીવ જંતુ નહોતા મળ્યા, પરંતુ FSSAIના ધારાધોરણ પ્રમાણે, સ્વચ્છતાનો ગંભીર અભાવ જોવા મળ્યો હતો. ફૂડ વિભાગે FoSCoS પોર્ટલ પર આ બેદરકારીની નોંધ કરીને બંને પ્રીમાઇસીસને 'ઇમ્પ્રુવમેન્ટ નોટિસ' આપવાની પ્રક્રિયા શરૂ કરી છે. તંત્ર દ્વારા સંચાલકોને હાલ કોઈ આર્થિક દંડ ફટકારવામાં આવ્યો નથી, પરંતુ 3 દિવસ માટે ધંધો બંધ રાખીને નીચે મુજબની કાયદેસરની પૂર્તતા કરવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
ફરિયાદીએ લોકોને કરી અપીલ
પોતાની સાથે આવો બનાવ બન્યા બાદ ડો. વ્યાસે લોકોને ખાસ અપીલ કરી હતી કે, જે લોકો બહારનું જમવાના શોખીન છે તેઓ કોઈ પણ ખોરાક ઓર્ડર કરતાં પહેલા તેને એકવાર ચકાસીને જ આરોગે. હાલ જામનગર સહિત ગુજરાતના મોટા શહેરોમાં ભોજનમાં વાળ આવવા, માખી કે અન્ય જીવજંતુ આવવાના બનાવો ખૂબ જ ગંભીર રીતે વધી ગયા છે. જેથી લોકોનું સ્વાસ્થ્ય જોખમાઈ શકે છે.
