Jamnagar News: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન, કૃષિમંત્રી રાઘવજી પટેલે ધ્રોલના ગામડાઓમાં જાત નિરીક્ષણ કર્યું

મંત્રીએ ખેતીવાડી વિભાગના ઉપસ્થિત અધિકારીઓને ગામોનો સંપૂર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 27 Oct 2024 03:43 PM (IST)Updated: Sun, 27 Oct 2024 03:43 PM (IST)
jamnagar-news-unseasonal-rains-damage-crops-agriculture-minister-visits-affected-villages
HIGHLIGHTS
  • જામનગરના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત લીધી
  • નુકસાની થયેલ ખેડૂતો પાસેથી કૃષિમંત્રી રાઘવજી પટેલે માહિતી મેળવી

Jamnagar News: સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા 1400 કરોડ જેટલી સહાય પણ જાહેર કરવામાં આવી છે પરંતુ આ સાહાય પણ ખેડૂતો નારાજ છે. ત્યારે આજે કૃષિ મંત્રી રાઘવજી પટેલ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની મુલાકાત લીધી હતી અને નુકસાની થયેલ ખેડૂતો પાસેથી રાઘવજી પટેલે માહિતી મેળવી હતી.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જિલ્લામાં માવઠાના કારણે અસરગ્રસ્ત થયેલ ધ્રોલ તાલુકાના ઇટાળા અને બિજલકા ગામની મુલાકાત લઈ નુકસાનીની સમીક્ષા કરી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કૃષિ મંત્રીએ ખેતરોની જાત મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

મુલાકાત દરમિયાન મંત્રીએ વિવિધ સ્થળોએ ખેડૂતો તથા ગ્રામજનો સાથે બેઠક યોજી તેઓના સિંચાઈ, પાક ધોવાણ અંગે વગેરે બાબતોને લગતા પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ સત્વરે આ પ્રશ્નો અંગે કાર્યવાહી કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ તકે મંત્રીએ ખેતીવાડી વિભાગના ઉપસ્થિત અધિકારીઓને ગામોનો સંપૂર્ણ સર્વે તાકીદે પૂર્ણ કરી ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે મુજબ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

કૃષિમંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ઓક્ટોબરના છેલ્લા દિવસોમાં જે પાછોતરો વરસાદ થયો તેના પરિણામે મગફળી અને કપાસના પાકને જે નુકસાન છે. તેનું નિરીક્ષણ કરવા અને તેના સર્વેની કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે આજે હું ધ્રોલ તાલુકાના મોટા ઇટાળા ગામ આવ્યો છે. અહી સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે જે ખેડૂતોએ મગફળી કાઢી છે તેને મોટું નુકસાન થયું છે. જમીનમાં રહી ગયેલી મગફળી ઉગી નીકળી છે. તેના ઉત્પાદન પર સારા પ્રમાણમાં માવઠાની અસર થઇ છે. સર્વેની કામગીરી ચાલુ છે. સર્વેની કામગીરીનું જાત નિરીક્ષણ પણ અમે કરી રહ્યાં છીએ.