MSP Registration: રાજ્યના ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ગુજરાત સરકારે ખરીફ સીઝન 2026-27 માટે વિશેષ આયોજન કર્યું છે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ વિગતો આપતાં જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે 10 સપ્ટેમ્બરથી 9 ઓક્ટોબર 2026 સુધી એક મહિના માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા ખુલ્લી રહેશે.
કયા પાકના કેટલા ભાવ મળશે?
કેન્દ્ર સરકારની ‘પી.એમ. આશા’ (પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન) યોજના અંતર્ગત વર્ષ 2026-27 માટે વિવિધ પાકોના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ ₹7,517, મગ માટે ₹8,780, અડદ માટે ₹8,200 અને સોયાબીન માટે ₹5,708નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે.
મોબાઈલ કે ઈ-ગ્રામ કેન્દ્રથી આ રીતે કરો નોંધણી
ખેડૂતો પોતાની સુવિધા અનુસાર બે અલગ-અલગ રીતે વિનામૂલ્યે નોંધણી કરાવી શકશે.
મોબાઈલ દ્વારા: ખેડૂત પોતે જ પોતાના સ્માર્ટફોનથી gjfr.agristack.gov.in પોર્ટલ પર જઈને અથવા 'ફાર્મર રજીસ્ટ્રી ગુજરાત' એપ ડાઉનલોડ કરીને જાતે અરજી કરી શકે છે.
કેન્દ્ર પર જઈને: ગામના VCE, VLE ઓપરેટર, CSC સેન્ટર્સ અથવા ગ્રામસેવક પાસે આધાર ઓથેન્ટિકેશન કરાવવા માટે જઈ શકાય છે.
બેંક ખાતા અને સર્વે નંબર અંગે ખાસ તકેદારી
નોંધણી વખતે ફાર્મર્સ રજીસ્ટ્રેશન હેઠળ આવરી લેવાયેલા તમામ સર્વે નંબરનો સમાવેશ કરાવવો જરૂરી છે. આ સિવાય સરકાર દ્વારા પાકની ચૂકવણી સીધી DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) મારફતે બેંક ખાતામાં જ કરવાની હોવાથી, ખેડૂતોને પોતાના બેંક ખાતા સાથે આધાર કાર્ડ સીડિંગ (આધાર લિંક) કરાવીને એકાઉન્ટ એક્ટિવ રાખવા માટે ખાસ તાકીદ કરવામાં આવી છે, જેથી નાણાં મેળવવામાં વિલંબ ન થાય.
